- અત્યાર સુધીમાં સમગ્રતયા રૂ. ૧૩૧૮ કરોડથી વધુની રકમ વિદ્યાર્થીઓને ચૂકવવામાં આવી
- નમો લક્ષ્મી યોજનાની સફળતાને પગલે એક જ વર્ષમાં માધ્યમિક શાળાઓમાં કન્યાઓના નામાંકનમાં ૧૬ ટકાનો વધારો થયો
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના પરિણામે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓમાં ૧૧ ટકાની વૃદ્ધિ થઈ
ગાંધીનગર, 24 જૂન, 2025 – Gujarat students receive financial aid રાજ્યની શાળાઓના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને આજે 24 જૂનને મંગળવારે વિવિધ શૈક્ષણિક પ્રોત્સાહન યોજનાઓ અંતર્ગત કુલ રૂ.
૭૨૪ કરોડની સહાય પહોંચાડવામાં આવી હતી. આ સહાય વિદ્યાર્થીઓનાં બેંક ખાતાંઓમાં સીધી જમા કરવામાં આવી હોવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. તદઅનુસાર નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગલ ક્લિક દ્વારા DBTથી આ રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી હતી.
મુખ્યમંત્રીએ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ સહાય વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ચૂકવી છે.
નમો લક્ષ્મી યોજના: Namo Lakshmi Scheme
ગુજરાતમાં નમો લક્ષ્મી યોજના રાજ્ય સરકારે ધો. ૯થી ૧૨માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટે તેમજ કિશોરવયની વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી કાર્યરત કરી છે. આ અંતર્ગત ધો. ૯-૧૦ માટે વિદ્યાર્થિની દીઠ વાર્ષિક રૂ. ૧૦ હજાર તથા ધો. ૧૨ માટે વાર્ષિક રૂ.૧૫ હજારની સહાય આપવામાં આવે છે. આ યોજના અન્વયે મુખ્યમંત્રીના હસ્તે ૧૦.૮૩ લાખ કન્યાઓને રૂ. ૬૦૦ કરોડ સિંગલ ક્લિક દ્વારા DBT થી સીધા ખાતામાં ચૂકવવામાં આવ્યા છે.
ગુજરાતમાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય – HDNews
રાજ્ય સરકારે આ સાથે જણાવ્યું છે કે, આ યોજના અમલી થયા પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાજરી આપતી કન્યાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નમો લક્ષ્મી યોજના શરૂ થવાથી શાળાઓમાં કન્યાઓની સંખ્યાનું પ્રમાણ ગત વર્ષે ૧૬ ટકા વધ્યું છે. એટલું જ નહિ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના પરિણામ સ્વરૂપે રાજ્યના વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ પ્રત્યેનો ઝોક વધ્યો છે અને ગયા વર્ષે ૧૧ ટકાનો વધારો વિજ્ઞાન પ્રવાહ માટેના પ્રવેશમાં જોવા મળ્યો છે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના: Namo Saraswati Vigyan Sadhana Scheme
ધોરણ ૧૦ પાસ કર્યા પછી રાજ્યના વધુને વધુ વિદ્યાર્થીઓને ધોરણ ૧૧-૧૨ માટે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાગુ કરવામાં આવી હતી. ધો. ૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ બે વર્ષ દરમિયાન કુલ રૂ. ૨૫ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાના પણ હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. મુખ્યમંત્રીએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના ૧.૫૩ લાખ જેટલા વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓને બાવન કરોડ રૂપિયાની કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી છે.
ગુજરાત સેમિકંડક્ટર, ગ્રીન એનર્જી અને ડિજિટલ સાયન્સ જેવા ક્ષેત્રોનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ ક્ષેત્રો માટે ભવિષ્યમાં કુશળ તકનીકી કાર્યબળની મોટા પાયે માંગ ઊભી થશે. આ માટે વધુ ને વધુ વિદ્યાર્થીઓ ધો. ૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરે તે હેતુસર નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ભવિષ્યમાં કુશળ તકનીકી કાર્યબળ પૂરું પાડવામાં મહત્ત્વનો ભાગ ભજવશે. આ ઉપરાંત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના’અને’મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના’ અમલમાં મુકવામાં આવી છે.
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના:-
આ યોજના અન્વયે ધો. ૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કર્યો હોય તેવા અને RTE અંતર્ગત અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા રાજ્યના ૨૫ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના અન્વયે આજે તા. ૨૪ જૂનના રોજ ૫૦ હજાર વિદ્યાર્થીઓને કુલ રૂ. ૪૧ કરોડથી વધુની સ્કોલરશિપ ચૂકવવામાં આવી છે.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના
ધો. ૧ થી ૫ માં સળંગ અભ્યાસ કરી ધો.૫ નો અભ્યાસ પૂર્ણ કરેલા હોય તેવા વિદ્યાર્થીઓ પૈકીના તેજસ્વી વિદ્યાર્થીઓ મેરીટના ધોરણે ધોરણ-૬ માં રાજ્યની શાળાઓમાં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ૩૦ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના અંતર્ગત ૬૦ હજાર વિદ્યાર્થીઓને રૂ. ૩૧ કરોડથી વધુની સ્કોલરશિપ ગુરૂવારે ડાયરેક્ટ બેનિફિટ સિસ્ટમથી એનાયત કરવામાં આવી હતી.