

દેશમાં ગેરકાનૂની રીતે રહેતા અને લાંબા સમયથી બોગસ પૂરાવાના આધારે આધારકાર્ડ સહિતના ડોકયુમેન્ટ મેળવી લેનાર વિદેશીઓ સામે હવે એક નવી ઝુંબેશ આવી રહી છે. અને ચૂંટણીપંચે મતદાર યાદીમાં આ પ્રકારના વિદેશી નાગરીકો કે જેઓ ખોટી રીતે ભારતના મતદાર બની ગયા છે તેમને દુર કરવા એક મોટી કવાયત શરૂ કરી છે. હવે મતદાર યાદીમાં નામ જેઓના છે અથવા તો જેવો પોતાના નવા નામ ઉમેરવા માંગે છે તેઓએ પોતાના જન્મસ્થાનનો પુરાવો પણ સાથે આપવો પડશે. અને આ પ્રક્રિયા બિહારની આગામી સપ્ટેમ્બર ઓકટોબરમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજયની મતદાર યાદીના સુધારામાં સમાવેશ કરી લેવાયો છે.
છેલ્લે ચૂંટણીપંચે 2003-4માં મતદાર યાદીનું એક સર્વાંગી ચકાસણી કરી હતી. પરંતુ હવે પંચ નવી અરજીઓ કે જેમાં પોતાનું નામ મતદાર યાદીમાં સમાવવા માટે કરવામાં આવ્યું હોય સાથોસાથ મતદાર યાદી સમયે વર્તમાન મતદારોએ પોતાના જન્મ સ્થાનના પુરાવા દેવા પડશે. આ પ્રકારના પુરાવામાં જન્મની તારીખ અને સ્થાનમાં માન્ય સરકારી પુરાવા જરૂરી બનશે. ચૂંટણીપંચે આ આદેશ કર્યો છે. અને કહ્યું હતું કે હાલ બિહારમાં અને બાદમાં દેશભરમાં આ પ્રક્રિયા અમલમાં મુકાશે. અને પંચ દેશની મતદારમાં ફકત ભારતીયોના નામ હોય તે નિશ્ચિત કરશે. વર્તમાન સરકારે હાલમાં જ બાંગ્લાદેશીઓ અને મ્યાનમારમાંથી ઘુસેલા રોહીંગ્યા સહિતના શરણાર્થીઓ જેઓ લાંબા સમયથી ભારતમાં વસી ગયા છે તેમને શોધવા પ્રયત્નો શરૂ કર્યા છે અને હજારોને દેશ નિકાલ પણ કર્યો છે. તે સમયે હવે મતદાર યાદીમાં પણ હવે આ એક ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે. અને તેમાં બિહારથી શરૂ થશે.
18 વર્ષ કે તેથી ઉપરના વ્યકિતએ પોતાના નામ મતદાર યાદીમાં સમાવવા માટે 11 માન્ય દસ્તાવેજોના માધ્યમથી પોતાની નાગરીકતાની સ્થિતિ નિશ્ચિત કરવી પડશે. આ તમામ દસ્તાવેજો પણ ચૂંટણીપંચની વેબસાઈટ પર અપલોડ કરવા પડશે. અને મતદારે એ પણ સોગંદનામું કરવું પડશે કે તેઓ 1 જુલાઈ 1987 પૂર્વે તેમનો જન્મ ભારતમાં થયો હતો અને તેમાં તેણે જન્મ તારીખ અને જન્મ સ્થળના પ્રમાણીક પુરાવા આપવા પડશે. જો તે વ્યકિત 1 જુલાઈ 1987 અને 2 ડીસેમ્બર 2012ના વચ્ચેના સમયમાં જન્મ થયો હોય તો તેના માતા અને પિતાના માન્ય દસ્તાવેજ આપવા પડશે. જો તે વ્યકિત 2 ડીસેમ્બર 2004 બાદ જન્મ થયો હોય તો તેણે તેના માતા પિતાના જન્મ તારીખ અને સ્થળના પ્રમાણપત્ર આપવાના રહેશે. તેમાંથી કોઈ એક બીનભારતીય હોય તો તેના જે તે સમયના પાસપોર્ટ વિઝા સહિતની માહિતી આપવાની રહેશે અને જો કોઈ વ્યકિતનો ભારત બહાર જન્મ થયો હોય તો તેને ભારતની નાગરીકતા માટે વિદેશમાં ભારતના દૂતાવાસ કચેરી મારફત જન્મનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. છેલ્લા 2004માં ચૂંટણીપંચે આ પ્રકારની કવાયત કરી હતી. અત્યાર સુધીમાં 13 વખત આ પ્રક્રિયા થઈ છે.