
મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક કોર્ટે 71 વર્ષીય એક વૃદ્ધને તેની બીમાર પત્નીની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે કહ્યું કે, આ એક ઈરાદાપૂર્વક અને આયોજનબદ્ધ હત્યા હતી. એડિશનલ સેશન્સ જજ વી.એલ. ભોંસલેએ શોભનાથ રાજેશ્વર શુક્લાને તેની પત્ની શારદાની હત્યા કરવા બદલ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનેગાર ઠેરવ્યા હતા. કોર્ટે 71 વર્ષીય વ્યક્તિને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી અને તેના પર 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે કહ્યું કે, હત્યાનું પૂર્વયોજિત સ્વરૂપ અને પીડિતાની નબળાઈનો સંપૂર્ણ ઉપયોગ પર ધ્યાન આપતા આરોપી સામે દયા ન દાખવી શકાય. કોર્ટ ન્યાયના ભોગે દયા ન દાખવી શકે. કેસની વિગત મુજબ બીમાર મહિલાનું 8 નવેમ્બર, 2019ના દિવસે થાણે શહેરના વાગલે એસ્ટેટ વિસ્તારમાં પોતાના ઘરે મૃત્યુ થયું હતું અને તેના એક પુત્રને તેના વિશે જાણ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં, મહિલાના પુત્રએ તેના ગળા પર શંકાસ્પદ નિશાન જોયા, જે સફેદ મલમથી ઢંકાયેલા હતા, જેના પગલે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તારણ નીકળ્યું કે, શારદાનું મૃત્યુ ગૂંગળામણને કારણે થયું હતું. સરકારી વકીલે કોર્ટને વૃદ્ધ દંપતી વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વિશે માહિતી આપી હતી. શારદા વિધવા હતી અને તેના પહેલા લગ્નથી તેને ત્રણ પુત્રો હતા. શોભનાથ વિધુર હતો, શારદાએ તેની સાથે લગ્ન કર્યા. શારદાએ તેના પહેલા પતિની મિલકત વેચીને મળેલા પૈસાથી એક ઓરડો બનાવ્યો હતો, જે તે તેના નાના પુત્રના નામે કરવા માંગતી હતી. પરંતુ શોભનાથ તેને તેના પુત્ર અશોકના નામે કરવા માંગતો હતો. આ બાબતે તેમનો ઝઘડો થયો હતો. હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થતો હતો. જોકે, કોર્ટે નોંધ્યું કે મહિલા, જે હલનચલન કરવામાં અસમર્થ હતી, તે આત્મહત્યા કરી ન શકે. કારણ કે, તેની શારીરિક મર્યાદાઓને કારણે જાતે ગળું દબાવવાનું અશક્ય બની ગયું હોત. આરોપીને ગુનેગાર ઠેરવતી વખતે, ન્યાયાધીશે તેના દ્વારા આપવામાં આવેલા ધમકીભર્યા નિવેદનો, મિલકતનો વિવાદ, સંભાળ રાખનાર તરીકેની તેની હતાશા, ઘટના પછીના તેના શંકાસ્પદ વર્તનની નોંધ લીધી જેમાં તેણે ગળું દબાવવાના નિશાનને મંગલસૂત્રના નિશાન તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.