
ઓડિશાના એક ગામમાં બે દલિત યુવકો સાથે આચરવામાં આવેલા ગેરવર્તનથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપતાં ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે. તેમજ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, દેશ બંધારણથી ચાલશે, મનુસ્મૃતિથી નહીં.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આ ઘટના મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે, ઓડિશામાં બે દલિત યુવકોને ઘૂંટણિયે ચાલવા, ઘાસ ખાવા અને ગંદુ ગટરનું પાણી પીવા મજબૂર કર્યા છે, તે તદ્દન અમાનવીય ઘટના જ નહીં પણ મનુવાદી વિચારસરણીની બર્બરતા છે. આગળ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ઘટના એવા લોકોને અરીસો બતાવે છે કે, જેઓ બૂમો પાડીને કહી રહ્યા છે કે, જાતિ હવે મુદ્દો રહ્યો નથી. દલિતોની ગરિમાને કચડતી આ ઘટના બાબા સાહેબના બંધારણ પર પ્રહાર સમાન છે. સમાનતા, ન્યાય અને માનવતા વિરુદ્ધ ષડયંત્ર છે.
ઓડિશાના ખારીગુમ્મા ગામમાં બે દલિત યુવકોને પશુ તસ્કરીની શંકામાં નિર્દયી રીતે ઢોર માર માર્યો હતો. તેમની સાથે ગેરવર્તન આચરી તેમને જબરદસ્તી સલુન લઈ જઈ અડધું માથુ મુંડાવ્યું હતું. બાદમાં યુવકોને ઘૂંટણિયે બે કિમી સુધી ચાલવા મજબૂર કર્યા હતા. આટલેથી જ ન અટકતાં આરોપીઓએ બંને યુવકોને ઘાસ ખવડાવ્યું હતું અને ગટરનું પાણી પણ પીવડાવ્યું હતું. ઘરાકોટ બ્લોકમાં સિંગીપુર ગામમાં રહેતાં બુલુ નાયક અને બાબુલા નાયક નામના બે યુવકોએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.