તેલંગાણાઃ 25 જૂન, 2025: Muslim Women Rights: મુસ્લિમ મહિલાઓના છૂટાછેડા લેવાના અધિકાર અંગે હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. તેલંગાણા હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ મૌસમી ભટ્ટાચાર્ય અને જસ્ટિસ મધુસુદન રાવની ખંડપીઠે કહ્યું કે, જો પત્ની અલગ થવા માંગે છે, તો તેને પતિ પાસેથી ખુલા લેવાનો અધિકાર છે.
કોર્ટે કહ્યું કે જો પતિ સંમત ન હોય, પરંતુ પત્ની સાથે રહેવા માંગતી ન હોય, તો પણ મુસ્લિમ મહિલાને ખુલા હેઠળ છૂટાછેડા લેવાનો અધિકાર છે.
કોર્ટનો મહત્ત્વનો નિર્ણય
આ મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં કોર્ટે એવું પણ કહ્યું કે, મહિલા માટે એ જરૂરી નથી કે, મુફ્તી પાસેથી જ ખુલાનામા મેળવે. મુફ્તી પાસેથી સલાહ લઈ શકાય છે, પરંતુ તેનું પાલન કરવું ફરજિયાત નથી. જણાવી દઈએ કે મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને મોટો અધિકાર આપતા ટ્રિપલ તલાકને પહેલાંથી જ ગેરકાયદે જાહેર કરી દીધું છે.
તલાક અને ખુલામાં શું અંતર?
મુસ્લિમોના લગ્ન અને અન્ય ધાર્મિક બાબતોમાં હજુ પણ શરિયા કાયદાનું પાલન કરવામાં આવે છે. મુસ્લિમ દંપતીમાં, જો પતિ અલગ થવાનો નિર્ણય લે છે, તો તેને તલાક લેવાનું કહેવામાં આવે છે. બીજી બાજુ, જો પત્ની લગ્નનો અંત લાવવા માંગે છે અને અલગ થવાનો નિર્ણય કરે છે, તો તેને ખુલા કહેવામાં આવે છે. મહિલાઓના પક્ષમાં મોટો નિર્ણય આપતા, હાઇકોર્ટે કહ્યું કે, મુસ્લિમ મહિલાને ખુલા દ્વારા છૂટાછેડા લેવાનો અધિકાર છે. જો મહિલા ઈચ્છે તો, તે આ મામલે મુફ્તી પાસેથી સલાહ લઈ શકે છે, પરંતુ સલાહનું પાલન કરવું ફરજિયાત નથી.
ખુલાના અધિકાર પર કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
ખુલાના અધિકાર પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરતી વખતે, હાઈકોર્ટના બે ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું કે, ‘મુસ્લિમ મહિલાઓને આપવામાં આવેલા ખુલાનો અધિકાર પોતે જ સંપૂર્ણ છે અને કોઈને પણ તેમાં દખલ કરવાનો અધિકાર નથી. આમાં પતિ અને કોર્ટની સંમતિ પણ મર્યાદિત છે. આવા કિસ્સાઓમાં, કોર્ટની ભૂમિકા એટલી મર્યાદિત હોઈ શકે છે કે તે આ પ્રક્રિયા પર છૂટાછેડાની મહોર લગાવી શકે. આનાથી બંને પક્ષોને આગળ વધવાની તક મળશે.’
કેસની સુનાવણી કરતી વખતે, કોર્ટે એમ પણ કહ્યું કે કોઈની અંગત બાબતોમાં દખલ ન કરવી જોઈએ. જો કોઈ મહિલા ખુલા માટે અરજી કરે છે, તો તેની પ્રક્રિયા તાત્કાલિક શરૂ થવી જોઈએ.