અમદાવાદના નિકોલમાં સાંજના સમયે ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ડમ્પરચાલકે મહિલા એક્ટિવાચાલકને ટક્કર મારી હતી, જે બાદ મહિલા અને તેના એક્ટિવાને 20 ફૂટ સુધી ઢસળ્યાં હતાં. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. આ અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો છે. આઇ ડિવિઝન ટ્રાફિક-પોલીસે હાલ આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નરોડામાં રહેતાં સીમાબેન( ઉં.46 વર્ષ) મંગળવારે સાંજે 7 વાગ્યા આસપાસ એક્ટિવા લઈ નિકોલ દેવસ્ય સ્ટેટ્સથી રસપાન સર્કલ તરફ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન ભક્તિ સર્કલ તરફથી આવી રહેલા ડમ્પરે મહિલાને અડફેટે લીધી હતી, જેના કારણે મહિલા એક્ટિવા પરથી નીચે પટકાયાં હતાં. મહિલાના પડી ગયા બાદ ડમ્પરચાલકે મહિલા અને એક્ટિવાને 20 ફૂટ દૂર સુધી ઢસળ્યાં હતાં. અકસ્માત બાદ ડમ્પરચાલક ડમ્પર મૂકીને નાસી ગયો હતો.
પોલીસે CCTV ફૂટેજના આધારે
વધુ તપાસ હાથ ધરી
આ અકસ્માતમાં એક્ટિવાચાલક મહિલા સીમાબેન મિશ્રાનું ઘટનાસ્થળ પર મોત થયું હતું. આ બનાવની જાણ થતાં આઇ ડિવિઝન ટ્રાફિક-પોલીસ સ્થળ પર પહોંચી હતી. આ બનાવ અંગે ફરાર ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ડમ્પરચાલક દૂર સુધી મહિલાને ઢસળતા પણ નજરે પડે છે. પોલીસ CCTV ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે.
