રાજ્યમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલુ જ રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

Spread the love

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અસામાજિક તત્વો અને ગેરકાયદે દબાણ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, રાજ્યમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલુ જ રહેશે.

આ અભિયાનના ભાગરૂપે, આજે ૧૦૭ ગુનાઓમાં સંડોવાયેલા જૂનાગઢના કારા રબારીના આલિશાન બંગલો ઉપર અને તેના વૈભવી ફાર્મ હાઉસ ઉપર બુલડોઝર ફેરવી ગેરકાયદે દબાણોને તોડી પાડીને સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે, જેથી તેનો ઉપયોગ નાગરિકોની સુખાકારી માટે થઈ શકે.

 

રાજ્ય સરકારના ગુનાખોરી અને ગેરકાયદે દબાણ સામેના કડક અભિયાન હેઠળ આજે જૂનાગઢમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કારા દેવરાજભાઇ રાડા રબારી (ઉ.વ. 50) દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આ આરોપીએ જૂનાગઢના લીરબાઇપરા ખાતે સર્વે નંબર-308માં 750 ચોરસ મીટરની જગ્યામાં આલીશાન બંગલો અને કેન્દ્રીય વિદ્યાલય નજીક સર્વે નંબર-397માં 35,000 ચોરસ મીટરની જગ્યામાં ફાર્મ હાઉસ ગેરકાયદે બનાવ્યું હતું, જેને જૂનાગઢ એસ.પી. સુબોધ ઓડેદરાની ટીમ દ્વારા તંત્રની મદદથી આજે તોડી પાડવામાં આવ્યું છે.

 

કારા રબારી સામે અત્યાર સુધીમાં કુલ 107 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 4 ખૂન, 3 ખૂનની કોશિશ, 4 અપહરણ, 10 લૂંટ, 6 પોલીસ ફરજમાં રૂકાવટ, 4 બળજબરીથી કઢાવી લેવું, 25 મારામારી, 46 પ્રોહિબિશન, 1 હથિયાર ધારા અને 4 અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેની સામે બે વખત PASA હેઠળ કાર્યવાહી થઈ છે અને તેની ગેંગ સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GCTOC) હેઠળ પણ ગુનો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *