હૈદરાબાદ : એક ચોંકાવનારી ઘટનામાં 39 વર્ષીય મહિલાની કથિત રીતે તેની 16 વર્ષની પુત્રી અને તેના બોયફ્રેન્ડે હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ આખો મામલો કથિત પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો છે, જે સોશિયલ મીડિયા પર શરૂ થયો હતો અને આખરે હત્યામાં ફેરવાઈ ગયો હતો.
મૃતક મહિલા સિંગલ માતા હતી જે ‘કલા સારથી’માં હેન્ડીક્રાફ્ટનું કામ કરતી હતી અને એસસી/એસટી સેલ અને મહિલા મંડળમાં પણ સક્રિય હતી.
તેણે પોતાનાં જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો અને તે એકલી જ બે દીકરીઓને ઉછેરતી હતી.
હત્યાનું ભયાનક ષડયંત્ર
આ ઘટના હૈદરાબાદના જીડીમેટલા વિસ્તારમાં બની હતી. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે મૃતક પોતાની બે દીકરીઓ સાથે જીડીમેટલાના શાપુર નગર ખાતે ભાડાના મકાનમાં રહેતી હતી. તેમની સૌથી મોટી પુત્રી ધોરણ 10 ની વિદ્યાર્થીની છે. ગત ડિસેમ્બરમાં તેણે નાલગોંડા જિલ્લાના ડીજે 19 વર્ષીય પી.શિવા સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કરી હતી. આ મિત્રતા ધીમે ધીમે પ્રેમસંબંધમાં ફેરવાઈ ગઈ.
19 જૂને યુવતી પોતાનાં બોયફ્રેન્ડ સાથે ઘરેથી ભાગી ગઈ હતી, જેને પગલે અંજલિએ પોલીસમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે યુવતીને સૂર્યપેટમાં શિવાના દાદા-દાદીના ઘરેથી બહાર કાઢી હતી અને તેની માતાને સોંપી હતી. ત્યારથી આ સંબંધને લઈને માતા-પુત્રી વચ્ચે સતત તણાવ અને ઝઘડા થતા રહેતાં હતાં.
ગુનાની રાત્રે શું થયું ?
પોલીસનાં જણાવ્યાં અનુસાર, 23 જૂનની સાંજે પુત્રીએ માતાનાં ટોણાઓથી કંટાળીને શિવાને ફોન કરીને તેની માતા વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. શિવા અને તેનો ભાઈ યશવંત ઘરે પહોંચતાં જ યુવતીએ દરવાજો ખોલ્યો.
પોલીસનાં જણાવ્યાં અનુસાર બંને ભાઈઓએ પહેલાં ચુનરી અને સાડીથી મહિલાનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેઓને ખબર પડી કે તેણી મરી ગઈ છે, ત્યારે તેઓ ભાગી ગયા. પરંતુ પાછળથી યુવતીએ જોયું કે તેની માતા હજી શ્વાસ લઈ રહી છે. પછી તેણીએ ફરીથી શિવને બોલાવ્યા અને તેઓ પોતાના ભાઈ સાથે પાછા ફર્યા. આ વખતે બંનેએ મહિલાની ખોપરી અને નાક પર હથોડાથી ઘા મારીને હત્યા કરી નાખી હતી.
ખોટી સ્ટોરી અને ડિસ્ક્લોઝર
રાત્રે 11:30 વાગ્યાની આસપાસ, યુવતીએ તેની કાકી અને અન્ય સંબંધીઓને ફોન કર્યો હતો અને તેમને જાણ કરી હતી કે તેની માતા ખુરશી પરથી પડી ગઈ છે અને ગંભીર રીતે ઘાયલ થઈ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો તેમને શંકા ગઈ અને તેમણે તપાસ શરૂ કરી. તેના થોડા સમય બાદ જ પોલીસે ત્રણેય આરોપીઓ – છોકરી, શિવા અને યશવંતની ધરપકડ કરી હતી.