
12 જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના બ્લેક બોક્સનો ડેટા મળી આવ્યો છે. ગુરુવારે એક સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો છે. મેમરી મોડ્યુલની ઍક્સેસ પણ મેળવી લેવામાં આવી છે. હવે તપાસ એજન્સી બ્લેક બોક્સમાંથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરશે. આનાથી અકસ્માતના કારણો બહાર આવશે. અગાઉ 24 જૂને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું હતું કે બ્લેક બોક્સ તપાસ માટે વિદેશ મોકલવામાં આવી રહ્યું નથી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) તેની તપાસ કરી રહ્યું છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, ક્રેશ થયેલા વિમાનમાંથી બે બ્લેક બોક્સ (CVR અને DFDR) સેટ મળી આવ્યા છે. આમાં અકસ્માત સમયે પાઇલટ્સની વાતચીત અને વિમાનની ટેકનિકલ માહિતી રેકોર્ડ કરવામાં આવશે. પહેલો સેટ 13 જૂને અને બીજો 16 જૂને મળી આવ્યો હતો. 12 જૂને અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ પછી તરત જ ક્રેશ થઈ ગઈ હતી. તેમાં સવાર 241 લોકો માર્યા ગયા હતા, જ્યારે એક મુસાફર બચી ગયો હતો. આ ઘટનામાં કુલ 270 લોકો માર્યા ગયા હતા.