
તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં એક 34 વર્ષીય મહિલાએ પોતાની કાર રેલવે ટ્રેક પર ચડાવી દીધી. જેના કારણે ત્યાં હાજર કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો. 10-15 ટ્રેનોને રોકવામાં આવી અથવા ડાયવર્ટ કરવી પડી. શંકરપલ્લી નજીક બનેલી આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. 13 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા રેલવે ટ્રેક પર કિયા સોનેટ કાર ચલાવી રહી છે. બીજા વીડિયોમાં સ્થાનિક લોકો, રેલવે કર્મચારીઓ અને પોલીસ મહિલાને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ટોળાએ તેને કારમાંથી બહાર કાઢ્યા પછી તેના હાથ બાંધી દીધા છે. મહિલાએ આવું કેમ કર્યું અને તેની માનસિક સ્થિતિ શું હતી તે અંગે તપાસ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘રેલવેના ઘણા કર્મચારીઓ અને પોલીસકર્મીઓ કાર પાછળ દોડ્યા. ખૂબ જ મુશ્કેલીથી તેઓ કારને રોકવામાં સફળ રહ્યા. મહિલાને કારમાંથી બહાર કાઢવા માટે લગભગ 20 લોકોની મદદની જરૂર પડી. તે બિલકુલ સહકાર આપી રહી ન હતી.’ રેલવે પોલીસ અધિક્ષક ચંદના દીપ્તિએ જણાવ્યું હતું કે, શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા તાજેતરમાં જ એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી હતી. તે ઉત્તર પ્રદેશની રહેવાસી છે. તે ખૂબ જ આક્રમક વર્તન કરી રહી હતી. એવું લાગતું હતું કે તે માનસિક રીતે અસ્થિર હતી.
સુપરિન્ટેન્ડેન્ટ ચંદના દીપ્તીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે મહિલાની કારમાંથી તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાન કાર્ડ જપ્ત કર્યા છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું મહિલા આત્મહત્યા કરવાની યોજના બનાવી રહી હતી અને શું આખી ઘટનાને હત્યા જેવો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંગલુરુ-હૈદરાબાદ ટ્રેન સહિત ઓછામાં ઓછી 10 થી 15 પેસેન્જર ટ્રેનોને સાવચેતી રૂપે ડાયવર્ટ કરવામાં આવી હતી. હાલમાં, મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.