‘આપ’ના ધારાસભ્ય ઉમેશ મકવાણા પક્ષમાંથી સસ્પેન્ડ

Spread the love

 

ગુજરાતમાં હાલમાં જ યોજાયેલી વિધાનસભા પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર ભાજપને પરાજીત કરીને પ્રચંડ વિજયની ઉજવણી કરી રહેલા આમ આદમી પાર્ટીના રંગમાં ભંગ પડયો છે અને પક્ષના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બળવાનો બુંગીયો ફુંકીને આજે પક્ષના તમામ પદ ઉપરથી રાજીનામુ આપી દેતા વળતા આકરા પગલામાં આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. લાંબા સમયથી અસંતુષ્ટ બની રહેલા મકવાણાએ સમય જોઈને ઘા કર્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. વિસાવદર પેટા ચૂંટણીથી દૂર રહેલા અને ‘આપ’ના સંયોજક અરવિંદ કેજરીવાલના આગમન સમયે પણ હાજર નહીં રહેનાર ઉમેશ મકવાણાએ આજે ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદ ભરીને પક્ષ ઉપર દલીતો અને આદીવાસીઓના મુદ્દાઓને નજરઅંદાજ કર્યાનો આરોપ મુકતા કહ્યું કે, કડીની ધારાસભા બેઠકની પેટા ચૂંટણીમાં પણ પક્ષના દલીત ઉમેદવારના પ્રચાર માટે કોઈ આવ્યું ન હતું.
તેમને પરાજીત થવા છોડી દીધા હતા. મકવાણાએ પોતે ધારાસભ્ય પદ છોડવું કે કેમ તે અંગે સસ્પેન્સ બનાવી રાખતા કહ્યું કે મારા મત વિસ્તારની જનતાને પૂછીને નિર્ણય લઈશ. આમ કહીને તેમણે આમ આદમી પાર્ટીને પોતાને સસ્પેન્ડ કરવા આમંત્રણ આપી દીધુ હોય તેવી સ્થિતિ બનાવી હતી. તેઓએ વિધાનસભામાં પક્ષના દંડક તરીકેથી તેમજ રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી એમ બન્ને પદેથી રાજીનામા આપ્યા હતા અને કહ્યું કે હું પક્ષના સામાન્ય કાર્યકર્તા તરીકે ચાલુ રહીશ. પરંતુ તેમની જાહેરાતના એક જ કલાકમાં આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ રીતે ‘આપ’માં હવે આંતરીક લડાઈ ખુલ્લામાં આવી ગઈ છે. ‘આપે‘ મકવાણાને સસ્પેન્ડ કરતા નવી પરિસ્થિતિ સર્જાઈ છે અને તેઓ હવે વિધાનસભામાંથી રાજીનામુ આપવાનું પસંદ કરશે કે અનએટેચ સભ્ય તરીકે ચાલુ રહેશે તેના ઉપર પણ સૌની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *