ગુજરાતના દરેક ગામડાને હાઇસ્પીડ ઇન્ટરનેટ મળશે

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ ભારત સરકારના દૂરસંચાર વિભાગના સચિવ નીરજ મિત્તલની ઉપસ્થિતિમાં એમેન્ડેડ ભારતનેટ (ફેઝ-3)ની અમલીકરણ કામગીરી માટે ગુજરાતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લી., ભારત સરકારના ડિજિટલ ભારત નિધિ તેમજ ભારત સંચાર નિગમ લી. ને મળી કુલ ચાર સહભાગી પક્ષો વચ્ચે રાજ્ય કરાર કરવામાં આવ્યા હતા. જેમાં ભારત સરકાર વતી અધિક સચિવ અને ડિજિટલ ભારત નિધિના એડમિનિસ્ટ્રેટર નીરજ વર્મા તેમજ ગુજરાત સરકાર વતી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
રાજયના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા તેમજ શહેરી-ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરવા માટે ત્રીજા તબક્કા હેઠળ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પણ 98 ટકાથી વધુ સર્વિસ અપટાઇમ સુનિશ્ચિત કરીને સમાન ડિજિટલ સુલભતા પ્રદાન કરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. રાજ્ય આધારિત મોડેલમાં એમેન્ડેડ ભારતનેટ કાર્યક્રમ (ફેઝ-3)ના અમલીકરણ માટે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન પર હસ્તાક્ષર કરનાર ગુજરાત દેશના 8 રાજ્યો પૈકીનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગત જાન્યુઆરી-2025માં ભારત સરકાર દ્વારા ભારતનેટ ફેઝ-3 માટે ગુજરાતને એક વખતના મૂડી ખર્ચ અને 10 વર્ષના નિભાવખર્ચ માટે કુલ રૂ. 5,631 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ બાદ આ કરાર થયા છે.
રાજય સરકાર દ્વારા રાજ્ય-આધારિત મોડલ હેઠળ ભારતનેટ ફેઝ-2નો સફળતાપૂર્વક અમલ કર્યો છે. જે અંતર્ગત 22 જિલ્લાની 8,000થી વધુ ગ્રામ પંચાયતોને આવરી લઇ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સીમલેસ ડિજિટલ કનેક્ટિવિટી પૂરી પાડતી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આગામી સમયમાં ગુજરાતમાં અમલમાં આવનાર અમેન્ડેડ ભારતનેટ ફેઝ-3 પ્રોજેક્ટ હેઠળ રાજ્યની 14,287 ગ્રામ પંચાયતો અને 3,895 ગામોને આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવામાં આવશે. જેમાં 98 ટકાથી વધુ સર્વિસ અપટાઇમ રહેશે. જેના પરિણામે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મ ગ્રામ્ય વિસ્તરમાં વસવાટ કરતા નાગરિકોના સામાજિક જીવનમાં સુધારો લાવશે. રાજ્ય સરકારના વિભાગો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, ગ્રાહકો વગેરે માટે ઇલેક્ટ્રોનિક અને મૂલ્યવર્ધિત સેવાઓ દ્વારા સીધા જોડાઈ શકશે, જે વંચિત ગ્રામજનોનું જીવનધોરણ સુધારવામાં મદદરૂપ થશે.