વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાત વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં દીપડાના બચ્ચાની ચામડી સહિતના વન્યજીવ અંગો જપ્ત કરીને આ બાબતે ત્રણ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. વન્યજીવ વસ્તુઓનો ગેરકાયદેસર વેપાર વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ એક ગંભીર ગુનો છે, જેમાં 1 લાખ સુધીનો દંડ અને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ કેસમાં લવકર રેન્જે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972ની કલમ 2, 9, 39 અને 50 હેઠળ ગુનો નોંધ્યો છે. વન વિભાગ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવા અને તેમાં સંડોવાયેલા તમામ ગુનેગારોની ઓળખ કરવા માટે વધુ તપાસ કરી રહ્યું છે.