પાટીદાર સમાજની ચિંતન શિબિર ગાંધીનગર ખાતે યોજાઈ, જેમાં આશરે 8થી 10 મુદ્દાઓ પર ઊંડી ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે. આ બેઠકના મુદ્દાઓ અને માંગણીઓ આગામી સપ્તાહમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. આ શિબિરમાં અલ્પેશ કથીરિયા, વરૂણ પટેલ, પૂર્વિન પટેલ, રેશ્મા પટેલ સહિત સમાજના અગ્રણી નેતાઓ હાજર રહ્યા.
આ શિબિર દરમિયાન જયેશ પટેલને મોડું આમંત્રણ આપવાના મુદ્દે વિવાદ સર્જાયો, જેના કારણે પાટીદાર આગેવાનો મીડિયા સમક્ષ બાખડી પડ્યા.
જયેશ પટેલ મામલે બબાલ
ચિંતન શિબિર શરૂ થતાં જ શાંતિલાલ સોજીત્રાએ પૂર્વ આંદોલન કન્વીનર જયેશ પટેલને મોડું આમંત્રણ આપવાનો વાંધો ઉઠાવ્યો, જેના કારણે બેઠકમાં તણાવ વધ્યો. આ વિવાદ કેમેરામાં રેકોર્ડ થયો, પરંતુ આગેવાનોએ આ મામલે જાહેરમાં બોલવાનો ઇનકાર કર્યો હતો.
હાર્દિક પટેલને આમંત્રણ નહીં
પાસના દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલને આમંત્રણ ન આપવા અંગે વિચિત્ર દલીલ કરી. તેમણે જણાવ્યું કે, રાજકીય પક્ષો સાથે જોડાયેલા કે ચૂંટાયેલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું નથી. જોકે, આ દલીલ વિરોધાભાસી લાગી, કારણ કે અલ્પેશ કથીરિયા, રેશ્મા પટેલ સહિતના અન્ય આગેવાનો, જેઓ હાર્દિકના જ પક્ષ સાથે જોડાયેલા છે અને હોદ્દા ધરાવે છે, તેઓ શિબિરમાં હાજર હતા.
ચિંતન શિબિરની મુખ્ય ચર્ચાઓ અને માંગણીઓ
શિબિર બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં વરૂણ પટેલે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં પાટીદાર સમાજે શું મેળવ્યું અને શું બાકી છે તેની સમીક્ષા કરવામાં આવી. પાસ અને એસપીજીના સહયોગથી યોજાયેલી આ શિબિરમાં નીચેના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ.
ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી: ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાથી યુવાનોને થતા નુકસાનને રોકવા કડક કાયદાની માંગ. આ મુદ્દો માત્ર પાટીદાર સમાજને જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતને સ્પર્શે છે.
પ્રેમ લગ્ન અને વાલીની સંમતિ: ભાગીને થતા લગ્નોમાં માતા-પિતા અથવા વાલી-વારસની સંમતિ ફરજિયાત કરવાની માંગ. ઉત્તર પ્રદેશના મોડેલની જેમ સંપત્તિ આધારિત લગ્ન નીતિની હિમાયત.
વ્યાજખોરી પર અંકુશ: ગોંડલ અને સૌરાષ્ટ્રમાં વ્યાજખોરો દ્વારા મિલકતો હડપવાના ષડયંત્ર પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ.
ગોંડલમાં ભયમુક્ત વાતાવરણ: સરકારે ગોંડલમાં ભયમુક્ત વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ.
અનામતની માંગ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBCની જેમ EWS (આર્થિક રીતે નબળા વર્ગ) માટે પણ અનામતની જોગવાઈ.
કરમસદનો વિકાસ: કરમસદને ‘સરદાર ધામ’ તરીકે વિકસાવવા અને આણંદ મહાનગરપાલિકામાંથી અલગ રાખી સ્વતંત્ર અસ્તિત્વ આપવાની માંગ.
બિનઅનામત પંચ: બિનઅનામત આયોગમાં ચેરમેન અને અધિકારીઓની નિમણૂક ઝડપથી કરવી. આ પદ એક વર્ષથી વધુ સમયથી ખાલી છે.
પાટીદારો પરના કેસ: સમાજ પર બાકી રહેલા કેસોના નિરાકરણની માંગ.
અલ્પેશ કથીરિયાની સ્પષ્ટતા
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, આ 25મી ચિંતન શિબિર હતી, જેનો હેતુ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો. આ બેઠકનો કોઈ રાજકીય ઉદ્દેશ નથી. સમાજમાં ફેલાયેલા દૂષણો, સકારાત્મક પ્રવૃત્તિઓ અને સમાજને લગતી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
દિનેશ બાંભણીયાનું નિવેદન
દિનેશ બાંભણીયાએ ભારપૂર્વક જણાવ્યું કે, ઓનલાઈન ગેમિંગ અને પ્રેમ લગ્નના મુદ્દાઓ સૌથી મહત્વના છે. તેમણે સરકારને આ મુદ્દાઓ પર કડક કાયદા લાવવા અને વ્યાજખોરી પર અંકુશ મૂકવા વિનંતી કરી. આ ઉપરાંત, યુવા સ્વાલંબન યોજનામાં સુધારા અને બિનઅનામત આયોગની નિમણૂક પર ભાર મૂક્યો.