બાંગ્લાદેશમાં 25 વર્ષીય હિન્દુ મહિલા પર બળજબરીથી ઘરમાં ઘૂસી બળાત્કાર

Spread the love

બાંગ્લાદેશ

બાંગ્લાદેશના કુમિલ્લા જિલ્લાના મુરાદનગર વિસ્તારમાં 25 વર્ષીય હિન્દુ મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ સ્થળ રાજધાની ઢાકાથી લગભગ 66 કિલોમીટર દૂર છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રથયાત્રાના દિવસે એક હિન્દુ પરિવારના ઘરમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તે જ સમયે નજીકના બીજા હિન્દુ ઘરમાં આ ઘટના બની. બળાત્કારનો આરોપ ફઝર અલી (38) પર છે, જે પશ્ચિમ પારાના પંચકિટ્ટા ગામનો રહેવાસી છે અને તે BNP પાર્ટી સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે. જોકે, BNPમાં તેની ભૂમિકાની પુષ્ટિ થઈ નથી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે હિન્દુ સમુદાય દેશમાં લઘુમતીઓ પરના હુમલા, તોડફોડ અને મંદિરોમાં લૂંટફાટનો વિરોધ કરી રહ્યો છે. પીડિતાએ પોતે મુરાદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે તે 15 દિવસ પહેલા તેના પીયરમાં આવી હતી. ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યાના સુમારે આરોપી ફઝર અલી તેના ઘરે આવ્યો અને દરવાજો ખોલવાનું કહ્યું. જ્યારે તેણે ના પાડી ત્યારે આરોપીએ બળજબરીથી દરવાજો તોડીને ઘરમાં ઘુસીને બળાત્કાર ગુજાર્યો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, તેઓએ ફજર અલીને રંગે હાથે પકડી લીધો, પરંતુ તે ત્યાંથી ભાગી ગયો. પડોશમાં રહેતા સજીબે જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ નજીકમાં એક કાર્યક્રમ જોઈ રહ્યા હતા. પીડિતાની માસી આવી અને તેમને કહ્યું કે તેના ઘરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે દરવાજો તૂટેલો હતો અને ફઝર અલી મહિલાના ઘરમાં બળજબરીથી ઘુસી ગયો હતો. લોકોએ મહિલાને બચાવી લીધી. આ દરમિયાન, આરોપી ભાગી ગયો. પીડિતાના મામા નકુલ બર્મને કહ્યું, “આ ઘટના પછી અમે ખૂબ જ ડરી ગયા છીએ. આજે મારી ભાણી સાથે આવું બન્યું, કાલે અમારા પરિવારના બીજા કોઈ સાથે પણ આવું થઈ શકે છે. અમને પણ ન્યાય અને સુરક્ષા જોઈએ છે.” મુરાદનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી ઝાહિદુર રહેમાને ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે પીડિતાએ પોતે ફરિયાદ નોંધાવી છે. આરોપીને પકડવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે અને તે ટૂંક સમયમાં પકડાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *