આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી…દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે તો દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા… અંબાલાલ પટેલની આગાહી પર એક નજર.
હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું. જે મુજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર,પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, દાહોદ અને, છોટાઉદેપુરમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે.
તો નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વડોદરા, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદને લઇ ઓરેન્જ એલર્ટ છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદ સાથે યલો અલર્ટ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, અષાઢી બીજના દિવસે સાંજે વીજળી થઈ હતી. અષાઢી બીજના દિવસે ચંદ્ર વાદળોમાં હતો. અષાઢી બીજના સંકેત વરસાદ સૂચક છે. જેથી આગામી દિવસોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. અરબ સાગરમાં ભેજના કારણે ઘણા ભાગોમાં વરસાદ પડશે. ચોમાસું ધરી ઉપર સરકતા કેટલાક ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટી શકે છે. તો બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.
તેમણે જુલાઈ મહિના વિશે આગાહી આપતા કહ્યું કે, જુલાઈના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ લાવી શકે છે. 3 જુલાઈની આસપાસ મહેસાણા, સમી હારીજ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ આવશે. ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ બની શકે છે. વરસાદના કારણે ઉત્તર ગુજરાતમાં વાવેતર મોડું થઈ શકે છે. પરંતું 9 થી 15 જુલાઈમાં પણ વરસાદ લાવશે.
રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, આગામી 5 દિવસમાં ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. જેમાં કચ્છ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગાહી આવી છે.