રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશની મોકડ્રીલ

Spread the love

 

ગત 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતા 260 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાના પડઘા વચ્ચે આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ થયેલા એક વિમાનનું એન્જિન ફેલ થતા તે ક્રેશ થઈ ગયું હતું, જેમાં 17 જેટલા લોકોને ‘ઈજા’ પહોંચી હતી. જોકે, આ સમગ્ર ઘટના એક મોકડ્રીલ હતી, જેની જાહેરાત થતા એરપોર્ટ પર ઉપસ્થિત સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે આવેલા હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે 9.58 વાગ્યે ‘ABC ફ્લાઇટ’ ટેક ઓફ થઈ હતી. જોકે, 10.10 વાગ્યે આ વિમાનનું એન્જિન ફેલ થતા ફ્લાઇટ સળગી ઉઠી હતી, જેથી ફુલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાન ક્રેશને લીધે સાયરન વાગતા જ CISFના 71 જવાનો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 15 ફાયર ફાઇટર જવાનોએ આગ બુઝાવવાની સાથે વિમાનમાં સવાર હવાઈ મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત 17 વ્યક્તિઓને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
આ દરમિયાન રાજકોટ ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચતા એરપોર્ટ પર સાયરનના અવાજોથી ગંભીર માહોલ સર્જાયો હતો અને એરપોર્ટ પરના હવાઈ મુસાફરોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. કુલ 182નો સ્ટાફ, જેમાં CISF, ફાયર વિભાગ, 108 એમ્બ્યુલન્સ, સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલના કર્મચારીઓનો સમાવેશ થતો હતો. તેઓએ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. ‘ABC’ નામનું વિમાન બળીને ખાખ થઈ ગયું હતું અને તેમાં સવાર 17 જેટલા લોકોને ‘ઇજાગ્રસ્ત’ હાલતમાં બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, બાદમાં આ સમગ્ર ઓપરેશન એક મોકડ્રીલ હોવાનું જાહેર થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય વાસ્તવિક પ્લેન ક્રેશ જેવી આપાતકાલીન દુર્ઘટના સમયે કઈ રીતે બચાવ કાર્ય કરવું, ઓછામાં ઓછા લોકોને અસર પહોંચે તે રીતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં કઈ રીતે પહોંચાડવા અને ત્વરિત બચાવ-રાહત કામગીરી માટે કયા પ્રકારની ત્વરિત કામગીરી થઈ શકે તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરવાનો હતો. મોકડ્રીલમાં ફાયર, 108, પોલીસ, સિવિલ હોસ્પિટલ સહિતના તમામ સ્ટાફે તાત્કાલિક એરપોર્ટ પર પહોંચીને પોતાની ભૂમિકા ભજવી હતી, જે આવા કટોકટીના સમયે તેમની સજ્જતા દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *