
દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પેરા લિગલ વોલેન્ટીયર્સની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો 28 જુલાઈ સુધી અરજી કરી શકે છે. અરજી ફોર્મ ખંભાળિયા જિલ્લા અદાલતની કચેરી તેમજ ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા અને ઓખા તાલુકા અદાલતમાંથી મેળવી શકાશે. ઉમેદવાર માટે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ નિર્ધારિત કરવામાં આવી છે. પેરા લિગલ વોલેન્ટીયર્સને NALSA/GSLSA ના નિયમો અનુસાર માનદ વેતન આપવામાં આવશે. ફ્રન્ટ ઓફિસમાં 8 કલાકની કાનૂની જાગૃતિની કામગીરી માટે 600 રૂપિયા ચૂકવવામાં આવશે. શિબિરો અને પોલીસ સ્ટેશન આધારિત કામગીરી માટે દૈનિક 400 રૂપિયા મળશે. સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, અનુસ્નાતક વિદ્યાર્થીઓ, નિવૃત્ત કર્મચારીઓ, નર્સ, ડોક્ટર અને શિક્ષકો અરજી કરી શકે છે. પેરા લિગલ વોલેન્ટીયર્સ સામાન્ય નાગરિક અને કાનૂની કેન્દ્રો વચ્ચે કડી તરીકે કામ કરશે. તેઓ કાનૂની સહાયતા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરશે. વધુ માહિતી માટે ઉમેદવારો નજીકની તાલુકા અદાલત અથવા ખંભાળિયા જિલ્લા અદાલતમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરી શકે છે.