
કચ્છ જિલ્લાના આડેસરથી અબડાસા સુધીના વિસ્તારોમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહિત કરતી પવનચક્કીઓ સતત કાર્યરત રહે છે. પરંતુ, આ પવનચક્કીઓના અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. આજે (1 જુલાઈ) નખત્રાણા અને મુન્દ્રા તાલુકામાં બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં પવનચક્કીઓમાં ગંભીર ક્ષતિઓ સર્જાતા મોટું નુકસાન થયું છે. બંને બનાવોની તપાસ સંબંધિત કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. નખત્રાણા તાલુકાના કાંઠા વિસ્તારના વાલકા ગામે ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ એક જૂની પવનચક્કીનું ટાવર જર્જરિત થઈ ગયું. ટાવરમાં ગાબડું પડતા પવનચક્કીનું એક પાંખડું અડધું તૂટી જમીન પર પટકાયું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સીમ વિસ્તારમાં ઘેટેલી આ દુર્ઘટનાએ માલધારીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે.
મુન્દ્રા તાલુકાના લફરાં સીમમાં એક ખાનગી કંપનીની મહાકાય પવનચક્કી ટર્બાઇનમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આગ લાગવાથી પવનચક્કીમાંથી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં જૂની અને જર્જરિત પવનચક્કીઓ જોખમી રીતે કાર્યરત છે. આ પવનચક્કીઓ ભવિષ્યમાં જીવલેણ દુર્ઘટનાઓનું કારણ બની શકે છે. તેથી, સંબંધિત કંપનીઓએ તાત્કાલિક તપાસ અને મરમત કામગીરી હાથ ધરવી જરૂરી છે. બન્ને બનાવોની તપાસ શરૂ કરવામાં આવી છે. નખત્રાણા અને મુન્દ્રાની આ દુર્ઘટનાઓએ પવનચક્કી કંપનીઓની જાળવણી અને સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલો ઊભા કર્યા છે. ગ્રીન એનર્જી માટે પવનચક્કીઓ મહત્વપૂર્ણ છે, પરંતુ તેમની જાળવણી અને સુરક્ષા પર પૂરતું ધ્યાન ન આપવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાય છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.