ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચરીઓને પકડવા માટે લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે 2008માં મહિલાના ઓપરેશન માટે તેના પતિ પાસે લાંચ માંગનાર ડોક્ટર અને નર્સને પાંચ વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ડોક્ટર અને નર્સ ચાર હજારની લાંચ લેતા રંગેહાથે પકડાયા હતાં. આ કેસનો ચૂકાદો આવતા બંનેને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે.
ડોક્ટર અને નર્સે 6 હજાર રૂપિયાની લાંચ માંગી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબી સિવિલ હોસ્પિટલમાં 2008માં મહિલા દર્દીનું ઓપરેશન કરવા માટે તેના પતિ પાસે ડોક્ટર અને નર્સે 6 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી અસ્લમ મેમણની પત્નીનું ગર્ભાશય ગાંઠનું ઓપરેશન કરવા માટે લાંચની માગ કરી હતી. આ ઘટનામાં ફરિયાદીએ રાજકોટ એસીબીને ફરિયાદ કરી હતી. જેથી એસીબીએ બંને જણાને પકડી લેવા માટે છટકું ગોઠવ્યું હતું. જેમાં બંને જણ ચાર હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયા હતાં.
ફરિયાદીએ એસીબીને ફરિયાદ કરી હતી
ફરિયાદીએ ડોક્ટર અને નર્સને અગાઉ 1800 ચૂકવ્યા હતાં અને 4200 બાકી હોવાથી તેમાં ચાર હજાર ચૂકવવાના બાકી હતી. આ ચાર હજાર માટે ડોક્ટર અને નર્સે દબાણ કરતાં ફરિયાદીએ એસીબીને ફરિયાદ કરી હતી. જેમાં આરોપી ડો.પંકજકુમાર ગોબરભાઈ ગોંડલીયા અને હીનાબેન સાંવરીયા ઝડપાઈ ગયા હતાં. આ કેસમાં કોર્ટે ડોક્ટર અને નર્સને 5-5 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ 10-10 હજાર દંડ ફટકાર્યો છે.