નાયબ મામલતદારના પરિવારે માથાભારે તત્વોના ત્રાસથી ઘર છોડ્યું

Spread the love

 

અમદાવાદ શહેરના મીઠાખળી નજીક આવેલા ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પાસે રહેતા નાયબ મામલતદારનો પરિવાર માથાભારે તત્વોના ત્રાસથી હિજરત કરીને આણંદ પહોંચી ગયો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. ગઇકાલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નાયબ મામલતદારે CCTV કેમેરાની ચોરીની ફરિયાદ કરી છે. જેમાં મામલતદારે કોમર્શિયલ ઓફિસ ચલાવનાર નરેન્દ્ર પટેલ, કંદર્પ પટેલ, અલ્પેશ રાદડીયા અને ચિરાગ હિંગરના ત્રાસથી તેમના વૃદ્ધ માતા પિતાને ઘર છોડવું પડ્યું હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે.
ગાંધીગ્રામ રેલવે સ્ટેશન નજીક આવેલા આરોન રેસીડેન્સીમાં રહેતા યશપાલ પરમારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. યશપાલ પરમાર આણંદ જિલ્લામાં આવેલા ઉમેરઠ ખાતે મામલતદાર કચેરીએ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે અને હાલ તેઓ આણંદ ખાતેની મંગલનગર સોસાયટીમાં રહે છે. થોડા સમય પહેલા યશપાલ પરમારના વૃદ્ધ માતા-પિતા નવરંગપુરા ખાતેની આરોન રેસીડેન્સીમાં રહેતા હતા, પરંતુ ત્યાં કોમર્શિયલ ઓફિસ ચલાવનાર નરેન્દ્ર પટેલ, કંદર્પ પટેલ, અલ્પેશ રાદડીયા અને ચિરાગ હિંગરના કારણે તેમને હેરાન પરેશાન કરતા હતા. આ ચારેય લોકોએ બાદમાં ઇસ્કોન પીજી ચલાવનાર રજનીક પરડવાને પણ યશપાલના માતા-પિતાને હેરાન કરવા માટે તૈયાર કર્યા હતા. આ માથાભારે લોકોના ત્રાસથી કંટાળીને આઠ મહિના પહેલા યશપાલ પરમારના માતા-પિતા હિજરત કરીને આણંદ આવી ગયા હતા.
યશપાલ પરમારે આ મામલે નરેન્દ્ર પટેલ સહિતના લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો કરી હતી. તાજેતરમાં, યશપાલના ભાઈ લાલકૃષ્ણ પરમારે આરોન રેસીડેન્સીમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી ચેક કરતા બે કેમેરા બંધ બતાવતા હતા. લાલકૃષ્ણએ આ મામલે યશપાલને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી. કંઈક અજુગતું બન્યાની શંકા જતા યશપાલ પોતાના ભાઈ સાથે આરોન રેસીડેન્સીમાં પહોંચી ગયા હતા. પોતાના ફ્લેટ પર જઈને જોયું તો બે સીસીટીવી કેમેરા ગાયબ હતા. યશપાલે તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને હકીકત જણાવી હતી. ઘટનાની જાણ થતા નવરંગપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને યશપાલની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. યશપાલને શંકા છે કે રજનીક પરડવાએ તેના મળતીયાઓ સાથે મળીને સીસીટીવી કેમેરાની ચોરી કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *