ગાંધીનગર શહેરમાં સળંગ ત્રણ દિવસ અલગ અલગ ત્રણ સેક્ટરમાં રહેતી મહિલાઓને ઘરના વાસણ ચમકાવવાનો પાવડર વેચવાનું કહીને તેમના દાગીના ધોવા લીધા બાદ સોનુ ઓગાળી દેવામાં આવતા ઠગાઈ કરવામાં આવી છે. ગત 30 જૂન, 1 અને 2 જુલાઈના રોજ સવારના સમયે માર્કેટમાં નવી પ્રોડક્ટ આવી હોવાનુ કહીને ડેમો બતાવ્યો હતો. જેમાં મહિલાઓ ઘરમાં રહેલા જુના વાસણો લાવી હતી અને ધોવા માટે આપતા તેને મોતી જેવા કરી દેવાયા હતા.
જેથી મહિલાઓ ગઠિયાઓની વાતોમાં આવી ગઈ હતી અને તેમના હાથમાં પહેરેલી સોનાની બંગડી પણ ચમવાવવા માટે આપતા અલગ અલગ 3 જગ્યાએથી સોનાની બંગડીઓ ધોવા લીધી હતી.
જેમાં બંગડી ધોયા પછી 30 મિનિટ સુધી સુકાવા દેજો કહ્યા બાદ જતા રહ્યા હતા. જ્યારે બંગડીઓ હાથમાં પકડીને જોતા તેનુ વજન ઓછુ થઇ ગયુ હતુ. ત્રણેય જગ્યાએથી ગઠિયાઓ અંદાજે 68 ગ્રામ વજનનુ સોનુ કિંમત 4.56 લાખનું લઇ ગયા હતા. જેથી સેક્ટર 7 પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. આ ગુનાને અંજામ આપનાર બિહારની ત્રિપુટીને લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
30 જૂનના રોજ સેક્ટર-12 પ્લોટ નં. 480-2માં રહેતા નસીમબાનુ ફિરોજશા દિવાનના ઘરે પહેલો બનાવ બન્યો હતો. સવારના અરસામાં એક બાઇક પર 3 ગઠિયા આવ્યા હતા. વીમ વોશિંગ પાવડરના સેલ્સમેન છીએ અને કંપનીની નવી પ્રોડક્ટનુ માર્કેટિંગ કરવા આવ્યા છીએ. વાસણ ઘસીને ધોવાથી નવા થઇ જશે તેમ કહી ડેમો બતાવ્યો હતો. તાંબાના લોટાને ચમકાવી મહિલાને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ મહિલાએ હાથમાં પહેરેલી બંગડી ઉપર નજર નાખતા ધોવાની વાત કરતા હાથમાંથી કાઢી આપી હતી. લીક્વીડમાં બંગડીઓ નાખી હતી. લીક્વીડમાંથી બહાર કાઢ્યા બાદ 15 મીનીટ સુધી સૂકવવાનું કહી રૂ. 1.60 લાખનું સોનું ઓગાળી લઈ ગઠિયા ભાગી ગયા હતા.
જ્યારે 1 જુલાઈના રોજ સેક્ટર 7સીમાં રહેતા બિપિનભાઇ મણિલાલ પટેલના ઘરે ગઠિયા બપોરના ગયા હતા. એ સમયે ઘરે હાજર વૃદ્ધાને વિશ્વાસમાં લઈ તાંબાના લોટાને – ચાંદીની ગણપતીની મૂર્તિ ચમકાવી આપેલી. બાદમાં ઉક્ત એમ. ઓ.થી
વૃદ્ધાએ પહેરેલી બે સોનાની બંગડી ધોવાના બહાને 2.70 લાખનું સોનું ઓગાળી લીધું હતું. એજ રીતે બીજી જુલાઈના રોજ સેકટર – 14 માં રહેતા મનુ ભાઈ વાળંદના ઘરે પણ જઈને ગઠિયાઓએ 18 ગ્રામ સોનું ઓગાળી લીધેલું. આમ ટૂંકા ગાળામાં એક સાથે ત્રણ ગુના નોંધાતા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ એલસીબી પીઆઈ ડી બી વાળાને સૂચનાઓ આપેલી. ત્યારે એલસીબી પીએસઆઇ એમ એસ રાણા સહિતની ટીમ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પૂર્વ બાતમીના આધારે સેકટર – 15 ફતેપુરા રોડ જીતેન્દ્ર ગિરો ભેરૂ મંડલ અને તેના ભાઈ પંકજ ગિરો ભેરૂ મંડલ તેમજ અમિત ભાગવત સતન મંડલ (ત્રણેય રહે. બિહાર) ને બાઈક સાથે ઝડપી લેવાયા હતા. જેમની પાસેથી ત્રણ મોબાઇલ, વાસણ તેમજ સોનાના દાગીના ધોવા માટેનું વીમ લીક્વીડ સહિત કુલ રૂ.
59,540 નો મુદ્દામાલ કબજે લેવાયો છે.
આ તરફ ઉપરા છાપરી શહેરમાં ત્રણ ગુના પ્રકાશમાં આવતા ટેકનિકલ – હ્યુમન સોર્સથી તપાસ શરૂ કરવામાં આવેલી.
એલસીબીની તપાસમાં બિહારી ત્રિપુટીએ ઉક્ત ત્રણેય ગુનાને અંજામ આપવા માટે ગોધરાથી સેકંડમાં બાઈક ખરીદ્યું હતું. જેનું ઔપચારિક લખાણ કરેલું હતું. બાદમાં ત્રણેય જણાએ ગાંધીનગર આવી ગુના આચર્યા હતા. જીતેન્દ્ર અને અમિત વિરુદ્ધ પાટણમાં પણ ગુનો નોંધાયેલો છે. હાલમાં આરોપીઓની પૂછતાંછ ચાલી રહી છે. કોઈ આ ગેંગનો ભોગ બન્યું હોય તો ગાંધીનગર એલસીબી કચેરી નો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.