
રવિવારે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત 17મી બ્રિક્સ સમિટમાં સભ્ય દેશોએ 31 પાનાં અને 126 મુદ્દાનું સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડ્યું. એમાં પહેલગામ આતંકવાદી હુમલા અને ઈરાન પર ઇઝરાયલી હુમલાની નિંદા કરવામાં આવી હતી. બ્રાઝિલમાં ચાલી રહેલા બ્રિક્સ સમિટ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને મોટી ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે જો બ્રિક્સ દેશો અમેરિકાવિરોધી નીતિને સમર્થન આપશે તો તેમના પર વધારાનો 10 ટકા ટેરિફ લગાવવામાં આવશે. આ પહેલાં 1 જુલાઈના રોજ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના બનેલા ક્વાડ ગ્રુપના વિદેશમંત્રીઓની બેઠકમાં પહેલગામ હુમલાની નિંદા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમિટમાં કહ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલો ફક્ત ભારત પર નહીં, પરંતુ સમગ્ર માનવતા પર હુમલો છે. આતંકવાદની નિંદા એ આપણો સિદ્ધાંત હોવો જોઈએ, સુવિધા નહીં. આ સાથે તેમણે નવા વિશ્વ વ્યવસ્થાની માગણી પણ ઉઠાવી.
પીએમ મોદીએ કહ્યું હતું, ’20મી સદીમાં રચાયેલી વૈશ્વિક સંસ્થાઓ 21મી સદીના પડકારોનો સામનો કરવામાં અસમર્થ છે. AIના યુગમાં ટેકનોલોજી દર અઠવાડિયે અપડેટ થાય છે, પરંતુ વૈશ્વિક સંસ્થા 80 વર્ષમાં એકવાર પણ અપડેટ થતી નથી. 20મી સદીના ટાઇપરાઇટર 21મી સદીનું સોફ્ટવેર ચલાવી શકતાં નથી.’ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સમાં જોડાનારા દેશોને ધમકી આપી. તેમણે રવિવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે જે પણ દેશ અમેરિકાવિરોધી બ્રિક્સ નીતિઓ સાથે જોડાશે તેના પર વધારાનો 10% ટેરિફ વસૂલવામાં આવશે. આમાંથી કોઈને પણ છૂટ આપવામાં આવશે નહીં. ખરેખરમાં, બ્રિક્સ ઘોષણા પત્રમાં વિશ્વ વેપાર સંગઠન (WTO)ના નિયમો વિરુદ્ધ વધતા ટેરિફ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ટેરિફને વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેઇન માટે જોખમભર્યો ગણવામાં આવ્યો હતો. જોકે, આ મામલે યુએસનું સીધું નામ લેવામાં આવ્યું ન હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું, ‘ગ્લોબલ સાઉથના દેશો ઘણીવાર બેવડા ધોરણોનો ભોગ બન્યા છે. વિકાસ હોય, સંસાધનો હોય કે સુરક્ષા સંબંધિત મુદ્દાઓ હોય, ગ્લોબલ સાઉથને ક્યારેય પ્રાથમિકતા આપવામાં આવી નથી. તેમના વિના વૈશ્વિક સંસ્થાઓ એક મોબાઇલ ફોન જેવી છે, જેમાં સિમ કાર્ડ હોય, પણ નેટવર્ક ન હોય.’ PM મોદીએ વધુમાં કહ્યું, ‘જે દેશો વૈશ્વિક અર્થતંત્રમાં વધુ યોગદાન આપે છે તેમને નિર્ણય લેવાનો અધિકાર નથી. આ ફક્ત પ્રતિનિધિત્વનો પ્રશ્ન નથી, પણ વિશ્વસનીયતા અને અસરકારકતાનો પણ પ્રશ્ન છે.’ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટ યોજાઈ રહી છે. PM મોદીએ એમાં ભાગ લીધો છે. તેઓ આજથી બ્રાઝિલના 3 દિવસના પ્રવાસે છે. આ વખતે બ્રિક્સનો એજન્ડા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો યોગ્ય ઉપયોગ, ક્લાઇમેટ એક્શન, વૈશ્વિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ છે.