અમદાવાદ : રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરુઆત ખૂબ જ વહેલી થઈ ગઈ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદ વરસ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં 22 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધીમાં જળબંબાકાર થશે. આ સમય દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણવ્યા અનુસાર, 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જેને લઈ 2 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. 9 થી 15 જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.
શું છે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 112 ટકા વધુ વરસાદ વરસ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
8 જુલાઈ મંગળવારની આગાહી
આગામી 8 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ સિવાય આગામી ત્રણ દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 થી વધુ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
આગામી 48 કલાક અતિ ભારે
આ ચોમાસામાં મેઘરાજાએ આખા ગુજરાતને શરૂઆતથી જ ઘમરોળી નાંખ્યુ છે, જુલાઇ મહિનાના હજુ તો માત્ર 6 દિવસથી જ ત્યાં છે. ત્યાં 40 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે. અને હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે હજુ ગુજરાત માટે 48 કલાક અતિ ભારે હોવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે.