
શહેરના ગ-1 સર્કલ પાસે જમીનથી 30 ફૂટ નીચે રહેલી મેઇન ડ્રેનેજ લાઇનની ચેમ્બર ધસી પડતાં વિશાળ ભૂવો પડી ગયો છે. જેના પગલે પાટનગર યોજના તંત્ર દોડતું થઇ ગયું છે. આ ભૂવાને કારણે વાહન અકસ્માત ન સર્જાય તે માટે તાત્કાલિક બેરીકેટ્સ મૂકી દેવામાં આવ્યા છે. બીજીતરફ મેઇનલાઇનમાં ભંગાણને કારણે સેક્ટર-3 અને 4માં ડ્રેનેજના પાણી બેક મારવાની સમસ્યા સર્જાવાની પણ શક્યતા છે.
શહેરના ગ- રોડ પર ગ- 1 સર્કલ પાસે ફોરેસ્ટની જગ્યામાં ડ્રેનેજની ચેમ્બર ધસી પડતાં મોટો ભૂવો પડી ગયો છે. અહીં ડ્રેનેજ લાઇન પણ લિકેજ થઇ છે. વર્ષો જૂની લાઇન હોવાથી જમીનથી 30 ફૂટ ઉંડે નાંખવામાં આવી છે અને તેની ચેમ્બર પણ ઊંડી છે. જેથી આ રિપેરિંગ પણ લાંબો સમય માંગી લે તેવું છે. ડ્રેનેજ લાઇનમાં ભંગાણ હોવાથી સેક્ટર-3 અને 4માં ગટરના ગંદા પાણી બેક મારે તેવી પણ શક્યતા છે. ભૂવો પડવાથી પાટનગર યોજના વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. હાલ આ જગ્યા સુરક્ષિત કરી દેવામાં આવી છે. જોકે, રીપેરીંગમાં સમય લાગે તેવી શક્યતા છે.