
ગાંધીનગર શહેરમાં રહેતી મહિલાઓના ઘરે પહોંચી વાસણ ચમકાવવાનુ કહીને સોનાના દાગીના ધોવા લીધા બાદ તેના ઉપરથી સોનું ઉતારી લેનાર આરોપીઓને પકડી લીધા બાદ આજે સોમવારે ગાંધીનગર કોર્ટમાં રિમાંડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 3 આરોપીઓને 2 દિવસના પોલીસ રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે.જ્યારે આરોપીઓ પાસેથી 7 તોલા સોનું રીકવર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.તે ઉપરાંત અન્ય બે ગુનામાં પણ મુદ્દામાલની શોધખોળ કરાઇ રહી છે.
ગાંધીનગર શહેરમાં ગત 30 જુન, 1 અને 2 જુલાઇના એક બાઇક ઉપર 3 લોકો આવી પાઉડર વેચવાનુ કહી તેનો ડેમો બતાવી અલગ અલગ ત્રણ પરિવારની મહિલાના ઘરેથી સોનાની બંગડી ધોવાનુ કહીને 7 તોલા સોનું બઠ્ઠાવી ગયા હતા. જેની સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. બનાવના 48 કલાકમાં આરોપીઓને એલસીબી દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. આરોપીઓને પકડી લીધા બાદ તપાસ સેક્ટર 7 પોલીસને સોંપવામાં આવતા પીએસઆઇ આર.એફ.રાણા દ્વારા આરોપીઓને રિમાંડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેમાં આરોપી પંકજકુમાર ગિરો ભેરૂ મંડલ અને જીતેન્દ્રકુમાર ગિરો ભેરૂ મંડલ (બંને સગા ભાઇ થાય છે અને હરિનકોલ, ધમદાહા, બિહારમાં રહે છે. જ્યારે અમિત ભાગવત સતન મંડલ (રહે, ગોવિંદપુર કોસલી, રંગરાચોક, ભાગલપુર, બિહાર)ના આગામી 9મી સુધી બે દિવસના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા હતા.
પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે, આરોપીઓ પાસેથી હજુ મુદ્દામાલ પકડવાનો બાકી છે, તે ઉપરાંત તેમની સામે અન્ય બે ગુના મોડાસા અને પાલનપુરમાં નોંધાયા છે, તેમાં પણ મુદ્દામાલ મળી આવ્યો નથી. આરોપીઓ સાથે અન્ય કોઇ આરોપીઓ હતા કે કેમ ? સહિતની તપાસ કરવાન બાકી હોવાના કારણે રજૂ કરતા બે દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા.