
વર્ષ 2021માં શાહપુર પોલીસ મથકે 60 વર્ષીય આરોપી મહેશ પંડ્યા સામે IPC અને પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ અમદાવાદ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એ.બી.ભટ્ટે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોર અને કે.જી.જૈનની દલીલો તેમજ 8 સાહેદ અને 12 દસ્તાવેજી પુરાવાને આધારે આરોપીને 3 વર્ષ સખત કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેસને વિગતે જોતા વર્ષ 2021માં કોરોનાકાળમાં આરોપી વૃદ્ધ એક દુકાનમાં સેનેટાઈઝર લેવા ગયા હતા. તે દુકાન માલિકની બે દીકરીઓ હાજર હતી. વૃદ્ધ સેનિટાઇઝર લઈને ગયા હતા. ત્યારબાદ દુકાનદારની 7 વર્ષની દીકરી પેશાબ કરવાનું કહીને બહાર ગઈ હતી.
આ સમયે દુકાનદારના મિત્ર બહારથી આવ્યા હતા અને દુકાનદારને જણાવ્યું હતું કે, તેમની દીકરી રોડ ઉપર રડી રહી છે. તેની સાથે કોઈએ શારીરિક અડપલા કર્યા છે. દુકાનદાર ઘટના સ્થળે પહોંચ્યો હતો. વૃદ્ધ દ્વારા અડપલા કરાયા હોવાની જાણ થતા પોલીસને ફોન કરવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટ સમક્ષ બાળકીનું નિવેદન લેવામાં આવ્યું હતું. આરોપીએ બાળકીને શરીરને હાથ ફેરવીને અડપલા કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે, આવા આરોપીને મોકળુ મેદાન આપી શકાય નહીં. જેથી, કોર્ટે આરોપીને 3 વર્ષ સખત કેદની સજા અને 10 હજાર રૂપિયા દંડ કર્યો હતો. જેને વળતર પેટે બાળકીના પરિવારને આપવા હુકમ કર્યો હતો.