
ટ્રેનમાંથી પેસેન્જરના પડીને મૃત્યુ પામવાના કેસમાં રેલવે ટ્રિબ્યુનલે મૃતકના પરિજનોને 08 લાખ રૂપિયા વળતર 09 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો હતો. જેની સામે રેલવેએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટે રેલવેની અપીલ નકારતા રેલવે ટ્રિબ્યુનલનના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો.
કેસને વિગતે જોતા વર્ષ 2018 માં કેયુરભાઇ સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં જામનગરથી અમદાવાદ ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા હતા. તેમને અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર ઉતરવાનું હતું. પરંતુ તેઓ ભૂલી જતા, ટ્રેન મણીનગર રેલવે સ્ટેશન પહોંચવા આવી હતી. તેઓએ ધીમી ટ્રેનમાં ઉતરવા પ્રયત્ન કર્યો હતો, ત્યારે ઝાટકો આવતા તેમણે બેલેન્સ ગુમાવ્યું હતું અને તેઓ પડી ગયા હતા. ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસને મૃતક પાસેથી ટ્રેનની ટિકિટ મળી આવી હતી. રેલવેનું કહેવું હતું કે પેસેન્જર પોતાની ભૂલના લીધે પડી ગયો હતો. જેથી રેલવે વળતર આપવા માટે જવાબદાર નથી. પીડિતોનું કહેવું હતું કે ભીડ અને ઝટકાને લીધે બેલેન્સ જતા પેસેન્જર પડી ગયું હતું, જેથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકે ટિકિટ લઈને મુસાફરી કરી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે જાણી જોઈને કોઈ મુસાફર પડે નહીં અને તેની પાસે ટ્રેનની ટિકિટ હતી. આમ હાઇકોર્ટે રેલવેની અરજી નકારી નાખી હતી.