મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર તાલુકાના કેટલાય ખેડૂતો સાથે મોટી છેતરપિંડી થઈ હોવની ફરિયાદ વસાઈ પોલીસ મથકે નોંધાઈ છે.કુકરવાડા ગામની માર્કેટયાર્ડમાં આવેલી એક પેઢી ચલાવતા બાપ-દીકરાએ 90થી વધારે ખેડૂતો પાસે લોન લેવડાવી અને એ પૈસા લઇને વિદેશ ભાગી ગયા છે.સમગ્ર ઘટનામાં હાલમાં વસાઈ પોલીસ મથકમાં 9 કરોડથી વધુની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ કરી છે
50 વર્ષથી પેઢી ચાલતી હોવાથી પહેલાં ભરોષો કેળવ્યો આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ વિજાપુર તાલુકાના ટોટીદણ ગામમાં રહેતા પ્રહલાદ પટેલ અને તેના દીકરા નરેન્દ્રએ ભેગા મળી કુકરવાળા ગામમાં આવેલી માર્કેટયાર્ડમાં પેઢી ખોલી હતી અને એ પેઢીમાં તેઓ ખેડૂતો પાસેથી માલની આપ-લે કરતા હતા. આ પેઢી છેલ્લા 50 વર્ષથી ચાલતી હોવાથી અહીંયા પાક વેચાણ કે લેવા આવતા ખેડૂતો સાથે ઘર જેવો સબંધ થઈ ગયો હતો.
‘ધંધામાં પૈસાની ખૂબ જરૂર છે’ કહી ખેડૂતોને બાટલીમાં ઉતાર્યા આમ એકવાર વિશ્વાસ જીત્યા બાદ બાપ-દીકરાએ અલગ-અલગ ગામના 92 ખેડૂતોને ‘અમારે ધંધામાં પૈસાની ખૂબ જરૂર છે’ એમ કહી 90થી વધારે ખેડૂતોના નામે લોન મેળવી હતી અને એ રૂપિયા પોતાની પાસે રાખી પોતાના ખાતામાં જમા કરાવી લીધા હતા.
તેમજ જે ખેડૂત પોતાના પાક વેચાણ કરવા આવે તેઓના પણ રૂપિયા આ બાપ-દીકરાએ પેઢીમાં જમા રાખતા હતા અને બાદમાં
ખેડૂતોને જાણ થઇ એટલામાં તો રફૂચક્કર થઇ ગયા હતા આ વાતની જાણ વિજાપુર પંથકના 90થી વધારે ખેડૂતોને થતાં તેઓ પૈસા લેવા માટે આરોપીના ઘરે અને પેઢી પર જતાં ત્યાં તાળા લટકતા જોવા મળ્યા હતા. બાદમાં બધાએ હિસાબ માંડતા બાપ-દીકરાએ 9 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વસાઈ પોલીસમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ આરોપી પ્રહલાદ પટેલ કુકરવાડા સહકારી નાગરિક બેન્ક ઓફ ડિરેક્ટરના વાઇસ ચેરમેન અને સમાજનો આગેવાન પણ હતો.જેના કારણે ખેડૂતોએ વિશ્વાસ કરીને 9 કરોડથી વધુની રકમ આ ઠગ પિતા-પુત્રને આપી હતી.
મને 8 જુલાઈએ પૈસા આપવાનું કહ્યું હતું: ભોગ બનનાર ખેડૂત આ અંગે ભોગ બનેલા ખેડૂત પ્રહલાદભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ પેઢી 50 વર્ષ જૂની છે, હું એમના ત્યાં 50 વર્ષથી માલ વેચાણ કરતો હતો. 3 વર્ષથી પાક વેચાણના રૂપિયા તેઓએ પોતાની પેઢીમાં જમા રાખ્યા હતા. આ ઉપરાંત 9 લાખ મારી પાસેથી કેસ લીધા હતા અને કહ્યું હતું કે, મારે ગાંધીનગરમાં કોન્ટ્રાક્ટ ચાલે છે.
તમે મને પૈસા આપો હું તમને પરત કરી દઇશ. આમ કહી મારા નામે 5-5 લાખની બે લોન પણ કરી હતી. મને 8 જુલાઈએ પૈસા આપવાનું કહીએ લોકો 2 જુલાઇ આસપાસ ભાગી ગયા છે.
હાલ પોલીસ તપાસ કરી રહી છે: DySP
આ મામલે વિસનગર ડિવિઝનના DySP દિનેશસિંહ ચૌહાણે જણાવ્યું કે, વસાઈમાં 9 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ ઠગાઇનો એક્ઝેટ આંકડો સામે આવશે અને કુલ કેટલા ખેડૂતો ભોગ બન્યા એ તપાસ બાદ કહી શકાશે.