
ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનું જહાજ મંગળવારે સાંજે પ્રસ્થાન થતાની સાથે જ ટર્નિંગ સર્કલમાં શિપના પંખા-રડરમાં બોયાની એન્કર ચેન ફસાઇ ગયુ હતુ અને તેને સલામત રીતે ટગની સહાયતાથી જેટી પર લાવવામાં આવ્યુ હતુ. લો ટાઇડ થયા બાદ જહાજનું મોઢું જેટી પર અન્ય દિશામાં વાળી અને રેમ્પ ખોલી વાહનો, મુસાફરોને પોન્ટૂન પર ઉતારવામાં આવ્યા હતા. ઇન્ડીગો સીવેઝ પ્રા. લિ.ના સીએઓ કેપ્ટન ડી.કે.મનરાલના જણાવ્યા પ્રમાણે, વોયેજ એક્સપ્રેસ નામનું શિપ સાંજે 5.20 કલાકે ઘોઘા જેટી પરથી હજીરા જવા માટે નિકળ્યુ હતુ. આ સમયે શિપમાં 245 મુસાફરો અને 45 વાહનો સામેલ હતા. જેટીથી શિપ હજુ માત્ર 200 મીટર દૂર ગયુ હતુ ત્યાં પંખામાં બોયાની એન્કર ચેન ફસાઇ ગઇ હતી. આ સમયે દરિયાઇ કરન્ટ પણ વધુ હતો. તેથી દરિયાઇ ઓટ આવવાની રાહ જોવામાં આવી હતી અને 10.45 કલાકે જહાજને ટગની સહાયતાથી જેટી પર લાવવામાં આવ્યુ હતુ, અહીં જહાજનું મોઢુ ઉંઘી દિશામાં હોવાથી જહાજને યુ-ટર્ન કરાવી અને બાદમાં રેમ્પ ખોલવામાં આવ્યો હતો અને મુસાફરોને સલામત રીતે જેટી પર ઉતારવામાં આવ્યા હતા. વોયેજ એક્સપ્રેસ જહાજના પંખા-રડર સાથે બોયાની એન્કર ચેન ફસાઇ ગઇ છે તેથી તેનો નિર્ધારીત સર્વે કરાવવામાં આવશે અને નિષ્ણાંત તકનીકી ટીમ દ્વારા પંખામાંથી બોયાની એન્કર ચેન દૂર કરાવવામાં આવશે, ત્યારબાદ બધુ સલામત હોવા અંગે સંબંધિત સરકારી વિભાગો દ્વારા ગ્રીન સીગ્નલ આપવામાં આવ્યા બાદ જહાજને વોયેજની મંજૂરી આપવામાં આવશે.
ઘોઘા ખાતેની ચેનલ 4500 મીટર લાંબી છે, અને 100 મીટર પહોળી છે, તથા જેટીથી ચેનલના અંતરની ઉંડાઇ 7 મીટર છે. ટર્નિંગ સર્કલની ત્રિજ્યા 150 મીટર છે. ટર્નિંગ સર્કલની બાજુમાં જ અગાઉ કેપિટલ ડ્રેજીંગ વખતે ડ્રેજ કરવામાં આવેલું મટિરિયલ કરારની શરતો મુજબ 6 નોટિકલ માઇલ દૂર દરિયામાં નાંખવાને બદલે ટર્નિંગ સર્કલ નજીક પધરાવવામાં આવ્યુ હતુ, અને તેને દૂર કરવામાં આવ્યુ નથી. વોયેજ એક્સપ્રેસ શિપની લંબાઇ 135 મીટર અને પહોળાઇ 22 મીટર છે. તેથી અકસ્માતો નિવારવા માટે ટર્નિંગ સર્કલની ત્રિજ્યા 50 મીટર વધારવાની તાતી જરૂરીયાત છે. શિપમાં સામેલ ડી.આર.સોલંકીના જણાવ્યા મુજબ સાંજે 5.20 કલાકે ઘોઘાથી શિપ વોયેજ એક્સપ્રેસ નિકળ્યુ હતુ અને હજુ તો થોડુક ચાલ્યુ હશે અને અમે તમામ મુસાફરો સીટ પર બેઠેલા હતા ત્યાં શિપમાં અવાજ આવ્યો હતો અને શિપ ઉભુ રહી ગયુ હતુ. જો કે શિપના કર્મચારીઓ દ્વારા જહાજને જેટી પર પુન: લઇ જવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી, પરંતુ ચોક્કસ શું થયુ તેનાથી અમે પણ વાકેફ ન હતા. રાત્રે શિપનું મોઢુ ફેરવી અને ઘોઘા જેટીએ પુન: ઉતારવામાં આવ્યા હતા, રિફંડ સહિતની સંચાલકો દ્વારા ખાતરી આપવામાં આવી છે.