
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ 9 જુલાઈના વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા સહિતના વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા હતા. ગતરોજ 13 વ્યક્તિના જ્યારે (10 જુલાઈ) વહેલી સવારે NDRFના સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો, જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો છે. હજુપણ 4 લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે અને નદીમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
વડોદરાના મુજપુર ગામના એક જ પરિવારના ત્રણ સભ્યના આ દુર્ઘટનામાં મોત નીપજ્યાં છે. પિતા, દીકરો અને દીકરીની એક સાથે અંતિમયાત્રા નીકળતાં મુજપુર ગામ હિબકે ચડ્યું હતું. પિતા રમેશભાઈ, દીકરો નૈતિક અને દીકરી વૈદિકા ત્રણેય બગદાણા બાધા પુરી કરવા જતાં હતાં અને રસ્તામાં જ કાળને ભેંટી ગયા હતાં. છેલ્લા 27 કલાક કરતા વધુ સમયથી રેસ્ક્યૂ ચાલતું હોવા છતાં પણ ગુમ થયેલા લોકો ના મળતા તેમના પરિવારજનોએ કલેક્ટરને મળવા હોબાળો મચાવ્યો હતો. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 4 લોકો મિસિંગ હોવાનું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. NDRF અને ફાયરની ટીમો સાથે ક્રેન, જેસીબીની મદદથી વાહનો બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મોડી સાંજે મુજપુર ગામમાં દરીયાપુરા બસ સ્ટેન્ડ પાસે રહેતા અર્જુનસિંહ માધવસિંહ પઢીયારની ફરિયાદના આધારે પાદરા પોલીસે ગંભીરા બ્રિજ તૂટી જવાથી 10 વ્યક્તિના મોત અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. આ બનાવની તપાસ પાદરા પોલીસ મથકના પી.આઇ. વી.એ. ચારણ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રેસ્ક્યૂ પૂર્ણ થયા બાદ પંચનામું કરવામાં આવશે. તે સાથે FSLની મદદથી બ્રિજના વિવિધ નમુના લેવામાં આવશે. ઉપરાંત મૃતકના પરિવારજનોના અને ઇજાગ્રસ્તો સહિત ઘટના સંબંધિત લોકોના નિવેદનો લેવામાં આવશે. તે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાના મુજપુર ગામના એક જ પરિવારના ત્રણ સભ્યના આ દુર્ઘટનામાં મોત નીપજ્યાં છે. પિતા, દીકરો અને દીકરીની એક સાથે અંતિમયાત્રા નીકળતાં ગામ હિબકે ચડ્યું હતું. પિતા રમેશભાઈ, દીકરો નૈતિક અને દીકરી વૈદિકા ત્રણેય બગદાણા બાધા પુરી કરવા જતાં હતાં અને રસ્તામાં જ કાળને ભેંટી ગયા હતાં.
આજે બીજા દિવસે વહેલી સવારથી જ NDRF સહિતની બચાવ ટુકડીઓ દ્વારા શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો, જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે આવી પહોંચી હતી. કલેકટર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓ વહેલી સવારે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલી તંત્ર અને પોલીસની ટીમોએ અહીં રાતભર પડાવ નાખ્યો હતો. આજના ઓપરેશન દરમિયાન ડૂબેલા વ્યક્તિ અને વાહનોની શોધખોળ ઉપરાંત રસાયણ ભરેલા ટેન્કરથી કોઈ નુકસાન ન થાય એ બાબતને અગ્રતા આપવામાં આવી રહી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા આજે સવારે સ્થળ મુલાકાત કરવામાં આવી છે. તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે.