
યુક્રેનને હથિયારોના સપ્લાય પર પ્રતિબંધ મુકવા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી છે. રક્ષા મંત્રાલય પેન્ટાગોને ટ્રમ્પને જાણ કર્યા વિના આ સપ્લાય અટકાવી દીધો હતો. આ નિર્ણયથી આશ્ચર્યચકિત થઈને, ટ્રમ્પે સોમવારે ફરીથી યુક્રેનને હથિયાર મોકલવાનો આદેશ આપ્યો. ગયા અઠવાડિયે, પેન્ટાગોને જાહેરાત કરી હતી કે અમેરિકા હાલમાં યુક્રેનને કેટલાક આવશ્યક હથિયારોના સપ્લાય બંધ કરી રહ્યું છે, જેમ કે એર ડિફેન્સ મિસાઇલો, પ્રિસિશનગાઈડેડ આર્ટિલરી, પેટ્રિઅટ અને હેલફાયર મિસાઇલો. આ પાછળનું કારણ એ હતું કે અમેરિકાના પોતાના સ્ટોકમાં આ હથિયારની અછત હતી. આ કરાર પર યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ ટ્રમ્પને આ નિર્ણયની અગાઉથી જાણ કરવામાં આવી ન હતી. APના અહેવાલ મુજબ, તેમણે તેને વ્હાઇટ હાઉસ સાથે વાત કર્યા વિના લેવામાં આવેલું પગલું ગણાવ્યું.
APના અહેવાલ મુજબ, ટ્રમ્પે કેબિનેટ બેઠકમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું,”પુતિન આપણને હંમેશા જૂઠું બોલે છે. તે ખૂબ જ મીઠી વાતો કરે છે, પણ તેનો કોઈ અર્થ નથી”. ટ્રમ્પે કહ્યું કે તેઓ યુદ્ધ ઝડપથી પુરુ કરવા માંગે છે પરંતુ પુતિનના કારણે શાંતિ વાટાઘાટો આગળ વધી રહી નથી. ટ્રમ્પે ઓઈલ ઉદ્યોગ સંબંધિત રશિયા પર પ્રતિબંધોની ધમકી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ એક પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે જેના હેઠળ ભારત અને ચીન જેવા દેશો જે રશિયન ઓઈલ ખરીદશે તેના પર 500% ટેરિફ લાદવામાં આવશે.
રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનને લશ્કરી સહાય પૂરી પાડનાર અમેરિકા એકમાત્ર સૌથી મોટો દેશ છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી અમેરિકાએ યુક્રેનને એર ડિફેન્સ સિસ્ટમ, ડ્રોન, રોકેટ લોન્ચર, રડાર, ટેન્ક અને ઘણા એન્ટી-રડાર હથિયાર પૂરા પાડ્યા છે.
યુક્રેને અમેરિકા અને યુરોપ પાસેથી વધુ લશ્કરી સહાય માંગી હતી. ઝેલેન્સકીએ કહ્યું હતું કે યુક્રેનને તેની એર ડિફેન્સ સિસ્ટમ અને ડ્રોન ઉત્પાદન વધારવાની જરૂર છે. યુક્રેને યુરોપિયન ભાગીદારો અને એક અમેરિકન કંપની સાથે ડ્રોન બનાવવા માટે કરાર કર્યા છે, જેનાથી આ વર્ષે યુક્રેનને લાખો ડ્રોન મળશે. ઝેલેન્સકીએ સોમવારે ટેલિગ્રામ પર લખ્યું, “જીવનની રક્ષા માટે હવાઈ સંરક્ષણ સૌથી મહત્વપૂર્ણ છે”. તેમણે કહ્યું – આમાં ઇન્ટરસેપ્ટર ડ્રોનનો વિકાસ અને પ્રોડક્શન પણ સામેલ છે, જે રશિયાના લાંબા અંતરના શાહેદ ડ્રોનને રોકી શકે છે. ડ્રોનના ઉપયોગથી યુક્રેનને સૈનિકોની અછતને પૂર્ણ કરવામાં પણ મદદ મળી છે.
સોમવારે રશિયાએ યુક્રેન પર હવાઈ હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા. રશિયન હુમલાઓમાં 11 નાગરિકો માર્યા ગયા અને 80થી વધુ ઘાયલ થયા, જેમાં સાત બાળકોનો પણ સમાવેશ થાય છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રશિયાએ ગયા અઠવાડિયે 1,000થી વધુ ડ્રોન, 39 મિસાઇલ અને લગભગ 1,000 ગ્લાઇડ બોમ્બ હુમલા કર્યા હતા. રશિયાએ યુક્રેનિયન લશ્કરી ભરતી કેન્દ્રો પર પણ હુમલો કર્યો, જેમાં ખાર્કિવ અને ઝપોરિઝિયામાં 17 લોકો ઘાયલ થયા. રશિયાએ 91 યુક્રેનિયન ડ્રોન તોડી પાડવાનો દાવો કર્યો. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોમિનેટ કર્યા છે. નેતન્યાહૂએ મંગળવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન આ માહિતી આપી હતી.