
PM નરેન્દ્ર મોદીને બુધવારે નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલવિટ્શિયા મિરાબિલિસ’ એનાયત કરવામાં આવ્યો. નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-નદૈતવાહએ તેમને આ સન્માન આપ્યું. મોદીએ કહ્યું, ‘હું આ સન્માન નામિબિયા અને ભારતના લોકો અને આપણી અતૂટ મિત્રતાને સમર્પિત કરું છું. બંને દેશો સ્વતંત્રતા સંગ્રામથી એકબીજાની સાથે ઉભા રહ્યા છે. ભવિષ્યમાં પણ આપણે વિકાસના માર્ગ પર એકબીજાનો હાથ પકડીને આગળ વધતા રહીશું.’
વડાપ્રધાને કહ્યું, ‘નામિબિયા વિશ્વના સૌથી મોટા હીરા ઉત્પાદકોમાંનું એક છે અને ભારતમાં સૌથી મોટો ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગ છે, તે પણ મારા ગૃહ રાજ્ય ગુજરાતમાં. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં, આપણી ભાગીદારી પણ આ હીરાની જેમ ચમકશે.’ PM મોદી આજે એક દિવસ માટે નામિબિયામાં છે. આ મુલાકાત 2 જુલાઈથી 10 જુલાઈ સુધી 5 દેશો- ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની તેમની મુલાકાતનો એક ભાગ છે. છેલ્લા 7 દિવસમાં તેમને 4 દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યું છે. પીએમ તરીકે મોદીનો આ 27મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે.