રાજકોટ મનપાની વેરા ડિસ્કાઉન્ટ સ્કીમને જબરદસ્ત પ્રતિસાદ, 247 કરોડ વસૂલાયા; સરકારી મિલકતોની 90 કરોડની વસૂલાત બાકી

Spread the love

 

રાજકોટ મહાપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે જાહેર કરવામાં આવેલી અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમને શહેરના મિલકતધારકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. આ યોજના અંતર્ગત કુલ 3,46,373 મિલકતધારકો દ્વારા 247.59 કરોડનો મિલકત વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે, જે રાજકોટ મહાનગરપાલિકા માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. જોકે, હજુ સરકારી મિલકતો પાસેથી આશરે 90થી 95 કરોડની વસૂલાત બાકી છે. જે વસૂલવા માટે અત્યારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલે જણાવ્યું હતું કે, મિલકતધારકોને સમયસર વેરો ભરવા પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમ અમલમાં મૂકવામાં આવે છે. આ વર્ષે નાણાકીય વર્ષ 2025-26 માટેની આ યોજના 1 એપ્રિલ, 2025થી 30 જૂન, 2025 વચ્ચે અમલી હતી. હાલ વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ ચાલુ છે. જેમાં અત્યાર સુધીમાં 4,938 કરદાતા જોડાયા છે. જેમણે પોતાનો ચાલુવર્ષનો વેરો એડવાન્સ ભર્યો છે. તેમજ બાકી રકમના 25% પણ ભરપાઈ કર્યા છે. આગામી ત્રણ વર્ષ સુધી તેમનો વેરો અને 25-25 ટકા રકમ તેમણે ભરપાઈ કરવાની રહેશે. વધુમાં વધુ લોકોને 31 જુલાઈ સુધીમાં આ યોજનામાં જોડવાની અપીલ પણ તેમણે કરી હતી.
યોજના હેઠળ પ્રાપ્ત થયેલી કુલ 247.59 કરોડની આવકમાંથી ઓનલાઈન માધ્યમથી નોંધપાત્ર ફાળો મળ્યો છે. કુલ 2,55,865 મિલકતધારકોએ ઓનલાઈન પેમેન્ટ સુવિધાનો ઉપયોગ કરીને 162.19 કરોડની ચૂકવણી કરી છે. આ દર્શાવે છે કે, રાજકોટના નાગરિકો ડિજિટલ વ્યવહારો અપનાવી રહ્યા છે અને મહાપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી ઓનલાઈન સુવિધાઓનો સક્રિયપણે ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે 90,508 મિલકતધારકો દ્વારા ઓફલાઈન માધ્યમથી 85.40 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી.
ડિસ્કાઉન્ટ વિગતો આપતા તેમણે જણાવ્યું કે, હાલમાં મિલકત વેરા (પાણી વેરો મર્જ હોય તેવી મિલકતનાં વેરા)માં 23.92 કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અનલિંક વોટર કનેક્શન (ફ્લેટ અને વ્યક્તિગત કનેક્શન)માં 1.56 કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.
PF ઓફિસ, પદ્મકુંવરબા હોસ્પિટલ, પોલિટેકનિક, ખેતીવાડી ખાતું, માહિતી ખાતું, તોલમાપ ખાતું, CPWD, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ફાર્મસી કોલેજ, ફોરેન ટ્રેડ, રૂરલ પોલીસ (હાલ SP ઓફિસ હેઠળ), કોર્ટ બિલ્ડીંગ, મામલતદાર કચેરી, વેસ્ટ ઝોન, નર્સિંગ કોલેજ, GIDC, આયુર્વેદિક હોસ્પિટલ, BSNL, ગુજરાત ગેસ, SRP કેમ્પ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ફૂડ ઓફિસ, મહિલા ITI, AG ઓફિસ, સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, ગુજરાત ગેસ, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ, ફેમિલી પ્લાનિંગ અને NCC જેવી કચેરીઓ દ્વારા એડવાન્સમાં સંપૂર્ણ વેરો ભરપાઈ કરીને કુલ રૂપિયા 7.5 કરોડ જેટલી વસૂલાત કરવામાં આવેલી છે.
જોકે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સમરસ હોસ્ટેલ, PWD સ્ટેટ, BSNLના ટાવરો (મિલકતો સિવાયના), કલેક્ટર ઓફિસ, સિટી પોલીસ, રેલવે અને કેન્દ્રીય સ્કૂલ સહિતની સરકારી કચેરીઓ મળીને હજુ 90થી 95 કરોડની વસૂલાત બાકી છે. રાજકોટ મનપાના નાયબ કમિશનર દ્વારા તેમને પત્ર અને ટેલિફોનિક ચર્ચા દ્વારા જાણ કરવામાં આવેલી છે. આગામી સમયમાં, પત્ર વ્યવસ્થા પૂર્ણ થયા બાદ રૂબરૂ મુલાકાત લઈને સત્વરે ગ્રાન્ટ મંગાવી વેરો ભરપાઈ કરવામાં આવે તે માટે કચેરી ટુ કચેરી કોન્ટેક્ટ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 450 કરોડનો લક્ષ્યાંક અપાયો છે, જે કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરવો જરૂરી છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાનો ટાર્ગેટ પૂર્ણ ના થાય તો અન્ય બજેટરી પ્રોવિઝનમાં પણ ઇસ્યુ થઈ શકે છે. તેથી, હાલ ત્વરિત કામગીરી હાથ ધરી જૂના બાકીદારોની મિલકત સીલ કરવાની કામગીરી પણ કરવામાં આવશે. સાથે જ સરકારી મિલકતોની વેરાની વસુલાત કરવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને મોટાભાગની વસુલાત માર્ચ મહિનાના અંત સુધીમાં થઈ જવાની ધારણા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *