
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પ્રથમવાર શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીનાં નટરાજ સહિત વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો ‘વંદે સોમનાથ’ આધ્યાત્મિક-સાંસ્કતિક કાર્યક્રમ યોજાશે. ગુજરાત પ્રવાસન વિભાગ, સોમનાથ ટ્રસ્ટ અને વડોદરા સ્થિત ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધી આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર ચાલુ વર્ષે શ્રાવણ માસના દર સોમવારના દિવસે ‘વંદે સોમનાથ’ કાર્યક્રમ યોજાશે પ્રસિદ્ધ કલાકારો-નૃત્યકારો ભારતનાટ્યમ, કથક, મોહિનીઅટ્ટમ, ઓડિસી નૃત્ય જેવી વિવિધ પ્રસ્તુતિ કરશે અને ભગવાન શિવના નટરાજ સ્વરૂપની આરાધના કરશે.
આગામી શ્રાવણ માસના દરેક સોમવારે એટલે કે તા.14, 21, 28 જુલાઇ તેમજ 4, 11 અને 18 ઓગસ્ટ-2025 એમ કુલ 06 સોમવારે વંદે સોમનાથ કાર્યક્રમ યોજાશે. આમાં ગુજરાતી કેલેન્ડર મુજબ 4 અને ઉત્તર ભારતીય કેલેન્ડર મુજબ 2 સોમવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રાવણના 6 સોમવારે સોમનાથ ખાતે સોમનાથ મંદિર ચોપાટી, સોમનાથ મંદિર સામે પ્રોમોનેડ વોક વે અને સાગરદર્શન ભવનથી સોમનાથ મંદિર તરફ જતા માર્ગ-સ્થળ પર આ 3 સ્થળોએ કાર્યક્રમો યોજાશે. ભગવાન સોમનાથના દર્શને જવા ભક્તો માટે ગુજરાત એસટી દ્વારા રાણીપ, અમદાવાદથી વિશેષ AC Volvo બસની દૈનિક સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. બે દિવસ અને એક રાત્રિ રોકાણ સાથેની આ ટ્રિપ- પેકેજ અંતર્ગત રોજ સવારે 6:00 કલાકે રાણીપથી ઉપડતી આ બસ સાંજે 4:00 કલાકે સોમનાથ આવી પહોંચે છે. આ બસમાં એક યાત્રી માટે જવા- આવવાની ટિકિટ રૂ.4000 તેમજ બે વ્યક્તિ માટે જવા-આવવાની રૂ.7050 નક્કી કરવામાં આવી છે. જેમાં અલ્પાહાર,બે ટાઈમ ભોજન, હોટલમાં રાત્રિ રોકાણ અને ગાઈડની સુવિધા આપવામાં આવે છે. આ પેકેજમાં સોમનાથ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો,ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ રામ મંદિર અને ગીતા મંદિરનો સમાવેશ થાય છે આ બસ બીજા દિવસે સોમનાથ ખાતેથી સવારે 9:30 કલાકે નિકળીને રાત્રે 10:30 કલાકે રાણીપ,અમદાવાદથી આવી પહોંચે છે તેમ,ગુજરાત પ્રવાસન વિભાગની યાદીમાં વધુ જણાવ્યું છે.