ઝાંકના વિદ્યાર્થીઓની ભેદી બીમારીની ઘટનામાં ફૂડનો રિપોર્ટ નોર્મલ આવ્યો

Spread the love

 

 

જિલ્લાના ઝાંકની જે.એમ.દેસાઇ વિદ્યાલયના 122 બાળકોની આંખમાં ભેદી બીમારીને પગલે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સાજા થયા હતા. ભેદી બીમારીને પગલે પાણીના સેમ્પલ લેવામાં આવતા રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. જ્યારે બાળકોએ ભોજન લીધું હતું તેના પણ સેમ્પલ ફૂડ વિભાગ દ્વારા લઇને લેબોરેટરી રિપોર્ટ કરાવ્યો હતો. ફૂડનો રિપોર્ટ પણ નોર્મલ આવતા જિલ્લા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ એફએસએલમાંથી ગ્રેસ્ટિક લવાજનો રિપોર્ટ આવ્યા બાદ જ બાળકોની બીમારીનું સાચું કારણ બહાર આવશે.
રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના ઝાંક ગામની જે.એમ.દેસાઇ વિદ્યાલયના 122 બાળકોને આંખમાં ભેદી બીમારીનો ભોગ બન્યા હતા. તેમાં બાળકોને ઝાંખુ દેખાવવાની સાથે સાથે, બળતરા, પાણી પડવું, ડબલ દેખાવવાની ફરિયાદ થતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સઘન સારવાર બાદ તબક્કાવાર તમામ બાળકોને ત્રણેક દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. બાળકોમાં જોવા મળતી આંખની ભેદી બીમારીનું રહસ્ય ઉકેલવા માટે ગાંધીનગર મેડિકલ કોલેજની રેપિડ રિસ્પોન્સ ટીમે, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીએ અને વાસ્મો દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બાળકોએ લીધેલું ભોજનના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. જોકે પાણીનો રિપોર્ટ પીવાલાયક હોવાનો આવ્યો હતો. જ્યારે ફુડના રિપોર્ટ અંગે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અશોક વૈષ્ણવને મોબાઇલ ઉપર પૂછતાં જણાવ્યું છે કે બાળકોએ જે ભોજન કર્યું હતું તેના સેમ્પલ ફૂડ વિભાગે લીધા બાદ તેનો લેબોરેટરી રિપોર્ટ કરાવતા રિપોર્ટ નોર્મલ આવ્યો છે.
જ્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે બાળકોના જઠરમાંથી ગેસ્ટ્રિક લવાજના સેમ્પલ લઇને તેના રિપોર્ટ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. જોકે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ ઝાંકની જે.એમ.દેસાઇ વિદ્યાલયના બાળકોમાં જોવા મળેલી આંખની ભેદી બીમારીનું સાચું કારણ બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *