
દારૂની ફેરાફેરી માટે લોકો જુદી જુદી રીતે અપનાવતા હોય છે. ત્યારે પેથાપુરમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના પગલે પોલીસ દ્વારા દરોડો પાડીને ફૂડ ડિલિવરી માટેના થેલામાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો હતો આ દરમિયાન બુટલેગર મળી નહીં આવતાં પોલીસ દ્વારા શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, પેથાપુર રાવળ વાસ ખાતે મોટી શેરીમાં રહેતો સાહિલ મુકેશભાઈ રાવળ વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે સાહિલ તેના ઘરે હાજર મળી આવ્યા ન હતો પણ પોલીસે તપાસ કરતાં ત્યાંથી ઝોમેટો લખેલા એક થેલામાંથી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે 37 જેટલી દારૂની બોટલ અને ટીન જપ્ત કરીને 7 હજારનો મુદ્દામાલ કબજે કરી પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો. જ્યારે ફરાર થઈ ગયેલા સાહિલ રાવળની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ પ્રકારે ફૂડ ડિલિવરીની આડમાં દારૂની પણ ડિલિવરી કરવામાં આવતી હોવાની આશંકાના પગલે પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો છે.