
સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયાં છે. રૂમમાં જનરેટર ચાલુ રહી જતાં ધુમાડો રૂમમાં ફેલાય ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં છે. ઘટનાની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.
ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મરણ હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણયે સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટે FSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.
મૃતકના બાબુલાલના પુત્ર સુનિલ ધોરીયાએ જણાવ્યું હતું કે, રૂમમાં મારા પપ્પા, દાદી અને માસી સૂતા હતા. સવારે હું ઉઠ્યો ત્યારે બારણું ખોલ્યું અને આ લોકોને ઉઠાડ્યા પણ તેઓ ઉઠ્યા નહીં. મેચ રમવા માટે બધા આવેલા હતા. ત્યારે મેં એ લોકોને કહ્યું કે, ભાઈ 108 અને બીજા બધાને જાણ કરી દો. આ લોકો ઉઠ્યા નહીં. હું ત્યાં હાજર નહોતો અને તેઓનું મૃત્યુ થયું છે. મૃતકોમાં મારા,પપ્પા, દાદી અને મારી માસી છે.
એક મહિના પહેલા માતાનું મોત થયું હતું, ત્યારબાદ દાદી અને માસી સમાજના રિવાજ પ્રમાણે મહિનો ફેરવવા માટે આવતા હોય છે. ગઈકાલે જ દાદી અને માસી આવ્યા હતા. હું પાંચ દિવસ પહેલા આવ્યો હતો. મારા પપ્પા એકલા અહીં રહેતા હતા અને હું ઈચ્છા પોર ખાતે રહું છું.
પાલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે. એલ. ગાધે જણાવ્યું કે, સવારે પીસીઆરને એક કોલ મળ્યો હતો કે ભાટા ગામમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે. અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ અને ખેતર આવેલા છે. આ લોકો ખેતરમાં ચોકીદારી કરતા હતા. પ્રાથમિક તપાસ માટે અમે સ્થળ પર આવીને તપાસ કરતા જણાયું કે, મૃતકોમાં એક વૃદ્ધ અને બે મહિલા હતી. રૂમની અંદર જનરેટર ચાલુ હતું અને રૂમ બંધ હતો. જ્યારે રૂમનો દરવાજો ખોલીને અમે અંદર ગયા ત્યારે તીવ્ર દુર્ગંધ આવી રહી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જનરેટરના ઉપયોગને કારણે રૂમમાં ધુમાડો ભરાઈ ગયો હતો, જેનાથી ગુંગળામણ થઈ અને આ લોકોના મોત નીપજ્યા છે. FSL અને PM રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ત્યાર પછી મૃત્યુનું ચોક્કસ કારણ પણ જાણી શકાશે. જ્યાં લોકો સૂતા હતા, ત્યાં જ જનરેટરનો ઉપયોગ થઈ રહ્યો હતો. રૂમમાં વેન્ટિલેશન માટે કોઈ જગ્યા નહોતી, જેથી ધુમાડો રૂમની બહાર નીકળી શકે. હાલ આ જ પ્રાથમિક જાણકારી મળી છે.