ગોંડલમાં વીજકરંટથી બેનાં મોત:
PGVCLના રિપેરિંગ કામ દરમિયાન અચાનક વીજપ્રવાહ ચાલુ થઈ જતાં
બે કર્મચારીના જીવ ગયા, સુરક્ષા વ્યવસ્થા પર સવાલો

ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલી સબ જેલ સામે PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના રિપેરિંગ કામ દરમિયાન કરંટ લાગવાથી બે કોન્ટ્રાક્ટ કર્મચારીના મોત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, PGVCL દ્વારા છેલ્લા ચાર દિવસથી શ્રીહરિ ફીડરમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું, જેમાં લગભગ 25 જેટલા કર્મચારી કામ કરી રહ્યા હતા. આ કામ 90% જેટલું પૂર્ણ થઈ ગયું હતું. આજે સમારકામ દરમિયાન અચાનક વીજપ્રવાહ ચાલુ થઈ જતાં બંને યુવાનને ગંભીર શોર્ટ લાગ્યો હતો. બંને યુવાન રાજસ્થાનના વતની હતા, જે ચાર દિવસ પહેલાં જ અહીં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બંને યુવાને જીવ ગુમાવી દીધો હતો. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે. વીજ કંપનીના કોન્ટ્રેક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અને સાવચેતી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતકોની વિગત
ભગવાનસિંહ રામલાલ ભીલ (ઉં.22, રહે. ગામ રિચવા, તા.અકલેરા, જિ.જાલાવર, રાજસ્થાન)
સૂરજકુમાર બનીસિંહ ભીલ (ઉં.20, રહે. ગામ આમટા, તા.અકલેરા, જિ.જાલાવર, રાજસ્થાન)