
પ્રવાસન વિભાગ તરફથી કરવામાં આવેલા વિવિધ આયોજન પૈકી કેટલાક સમયથી ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને વધુને વધુ વેગ કેવી રીતે મળે તે વિષે ચિંતન અને મંથન થયું હતું. જેમાં વિવિધ સૂત્રો પાસેથી સુચનો અને ભલામણો મંગાવવામાં આવ્યા બાદ આ યોજના ઘડી કાઢવામાં આવી છે. શ્રાવણમાં દરરોજ અમદાવાદથી એક વોલ્વો બસ સોમનાથના દર્શને ઉપડશે. જેમાં બે દિવસ અને એક રાત્રિ રોકાણ સાથેની આ ટ્રીપ-પેકેજ અંતર્ગત રોજ સવારે ૬:૦૦ કલાકે રાણીપથી બસ ઉપડીને સાંજે ૪:૦૦ કલાકે સોમનાથ પહોંચશે. આ બસ બીજા દિવસે સોમનાથથી સવારે ૯:૩૦ કલાકે નીકળીને રાત્રે ૧૦:૩૦ કલાકે રાણીપ અમદાવાદ ખાતે પરત આવનાર હોવાનું ગુજરાત પ્રવાસન વિભાગની એક યાદીમાં જણાવાયું છે. યાત્રી દીઠ જવા-આવવાની ટિકિટ 4,000 રૂપિયા રખાઈ છે. જ્યારે બે વ્યક્તિ માટે જવા-આવવાનું ભાડુ 7,050 રૂપિયા નક્કી કરાયું છે. જેમાં નાસ્તો, બે ટાઇમ ભોજન, હોટેલમાં રાત્રિ રોકાણ અને ગાઇડની સુવિધા આપવામાં આવશે. આ પેકેજમાં સોમનાથ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ રામ મંદિર અને ગીતા મંદિરનો સમાવેશ થાય છે.