ખોટો આદેશ કર્યો હોવાથી જજની સામે શિસ્તભંગની કાર્યવાહી નહીં : ગુજરાત હાઈકોર્ટ

Spread the love

 

 

માત્ર કોઈ ‘ખોટો આદેશ’ કર્યો હોવાથી કોઈ જજ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી શકાય નહીં એવો અતિ મહત્ત્વપૂર્ણ ચુકાદો ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે આપ્યો છે. કચ્છ જિલ્લાના અંજાર ગાંધીધામના એડિ. સિનિયર સિવિલ જજે વર્ષ 2007માં એક કેસમાં કરેલા આદેશ બાદ તેમના પર ગેરવર્તણૂક, ભ્રષ્ટાચાર અને ફરજમાં બેદરકારીના આરોપ લગાવીને તેમને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. ખંડપીઠે આદેશમાં નોંધ્યું હતું કે,‘અરજદાર સામે વર્ષ 2008ના રોજ ચાર્જશીટ કરીને શરૂ થયેલી અને પૂર્ણ કરાયેલી શિસ્તભંગની કાર્યવાહી અન્યાયી જણાય છે. પરિણામે, અમે ગુજરાત સિવિલ સર્વિસીસ (શિસ્ત અને અપીલ) નિયમોના આધારે અરજદારને બરતરફીની સજા લાદતાં જાહેરનામાને રદ કરીએ છીએ.’
આ કેસની હકીકત મુજબ અરજદારે કથિત રીતે એક પક્ષને જપ્ત કરેલા ઓઈલ-ટેન્કરોને તેના માલિકોને સોંપવા દબાણ કર્યું હતું, જેમના પર હાઈ-સ્પીડ ડીઝલની ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અરજદાર જજની વર્તણૂકને અન્યાયી અને ગેરકાયદે ગણાવીને તેમને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ મામલે અરજદાર જજને રાહત આપતાં ચુકાદામાં હાઈકોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી જે તે વ્યક્તિ વિરૂદ્ધ ગેરવર્તણૂક કર્યાના સ્પષ્ટ આરોપો ન હોય ત્યાં સુધી શિસ્તભંગની કાર્યવાહી માત્ર એ આધારે શરૂ કરી શકાય નહીં કે એક જજ તરીકે તેના દ્વારા ખોટો આદેશ આપવામાં આવ્યો છે અથવા ન્યાયિક આદેશ ખોટો છે.’
ખંડપીઠે આદેશમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકતાં કહ્યું છે કે, ‘સુપ્રીમ કોર્ટના અધિકૃત ચુકાદાઓના આધારે જ્યારે આ કેસના તથ્યોનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે ફક્ત એક જ અનિવાર્ય નિષ્કર્ષ તરફ એ દોરી જાય છે કે બરતરફીનો વિવાદિત આદેશ કોઈપણ કાયદેસર સ્વીકાર્ય પુરાવા પર આધારિત નથી. તે સત્તાધિકારીઓના અનુમાન અને અંદાજ ઉપર જ આધારિત જણાય છે. હકીકતમાં તો આ એક એવો ક્લાસિક કેસ છે કે જેમાં કોઈ પુરાવા નથી. કથિત કાર્યવાહીના કોઈપણ પક્ષકારે અરજદાર જજ દ્વારા પસાર કરવામાં આવેલા આદેશથી નારાજગી દર્શાવી નહોતી. જોકે, તેમ છતાંય આ કોર્ટ એટલું જરૂરથી ઉમેરશે કે, ભ્રષ્ટ આચરણના આરોપને ફક્ત એટલા માટે અવગણી શકાય નહીં કે કાર્યવાહીમાં જોડાયેલા તમામ પક્ષકારોએ કોર્ટના નિર્ણયને સ્વીકાર્યો છે. એવા કિસ્સાઓ હોઈ શકે છે કે જ્યાં કાર્યવાહીના પક્ષકારોએ આદેશ મેળવવા માટે એકબીજાના મેણાપીપણાંમાં કામ કર્યું હોય. તેથી કોઈ પણ એ આદેશને પડકારવાનું જોખમ લઈ શકે નહીં. આવા કિસ્સાઓમાં, હાઈકોર્ટ મૂકપ્રેક્ષક બની શકે નહીં અને કોઈપણ ફરિયાદ પર નિષ્ક્રિય બેસીને ગેરવર્તણૂકને ચાલુ રાખવાની મંજૂરી આપી શકે નહીં, ભલે તે અનામી હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *