ગુજરાતમાં ટી.બી.ના નવા દર્દીઓની સંખ્યામાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકા ઘટાડો : ‘સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ’ શ્રેણીમાં પ્રથમ સ્થા
ટી.બી. અંગે લોકોમાં વધુમાં વધુ જાગૃતતા ફેલાવવી જરૂરી : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
ટી.બી.ના તમામ દર્દીઓ સુધી પોષણ કીટ પહોંચાડીએ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
રાજભવન ખાતે ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વર્ષ 2025 સુધીમાં ટી.બી. મુક્ત બનાવવાનો નિર્ધાર કર્યો છે. જે અન્વયે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અત્યંત ગંભીરતાપૂર્વક કાર્ય કરવામાં આવી રહ્યું છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ટી.બી.ના નવા દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને ગુજરાતમાં ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત થઈ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતને સંપૂર્ણ ટી.બી. મુક્ત બનાવવા અધિકારીઓને આંદોલન સ્વરૂપે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ અધિકારીઓને ક્ષય નિયંત્રણના કામમાં જરા પણ ઢીલાશ ન મુકવાનું સૂચવીને લક્ષ્ય પ્રાપ્તિ માટે ગંભીરતાથી કાર્ય કરવા તથા ટી.બી. અંગે લોકોમાં વધુમાં વધુ જાગૃતતા ફેલાવવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓને ક્ષય નિર્મૂલન માટે આયોજનબધ્ધ કામ કરવાનું જણાવ્યું હતું. તેમણે ટી.બી.ના તમામ દર્દીઓ સુધી પોષણ કીટ પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવા પણ સૂચવ્યું હતું.
ગુજરાતમાં વર્ષ 2015ની તુલનામાં વર્ષ 2023માં ટી.બી.ના નવા દર્દીઓની સંખ્યામાં 34 ટકા અને મૃત્યુમાં 37 ટકા ઘટાડો આવ્યો છે, જેના માટે ભારત સરકાર દ્વારા ગુજરાતને ‘સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ’ શ્રેણીમાં પ્રથમ સ્થાન આપ્યું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ટી.બી.ના 65,471 દર્દીઓ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ટી.બી.ના દર્દીઓની નિયમિતપણે સારવાર અને ફોલોઅપ કરવામાં આવે છે. દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તેની પણ ચિંતા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચાલુ વર્ષે 10,910 નિક્ષય મિત્રો દ્વારા 60,199 જેટલી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજભવનમાં યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, શહેરી આરોગ્ય નિયામકશ્રી ડૉ. હર્ષદ પટેલ, ગ્રામ્ય આરોગ્ય નિયામક શ્રી ડૉ. રતનકંવર ગઢવીચારણ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સિવિલ હોસ્પિટલ અમદાવાદે પાર કર્યો ૨૦૦ અંગદાનનો માઇલસ્ટોન
છેલ્લાં સાડા ચાર વર્ષમાં ૨૦૦ પરિવારોએ કર્યો અંગદાનનો કરુણામય નિર્ણય
અમદાવાદ સિવિલ હોસ્પિટલ બની ૨૦૦ અંગદાન કરનાર રાજ્યની એકમાત્ર હોસ્પિટલ
ગુરુપૂર્ણિમાના દિવસે થયું ૨૦૦મું અંગદાન : હૃદય, લીવર, સ્વાદુપિંડ અને બે કીનીનું દાન મળ્યું
અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો
ગુજરાતના ૧૭૬ અંગદાતાઓ પૈકી સૌથી વધુ ૬૮ અંગદાતાઓ અમદાવાદના છે
સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૭૫ લીવર, ૩૬૪ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૪ હૃદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનું દાન મળ્યું
૨૦૦ અંગદાનની ઉપલબ્ધિ ટીમવર્ક અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ – ડૉ. રાકેશ જોશી, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ
ગુજરાત સિવાય ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન જેવાં અન્ય રાજ્યો તથા નેપાળ જેવા પાડોશી દેશના અંગદાતાઓ પણ અંગદાન મહાયજ્ઞમાં સહભાગી થયા
અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં ૨૦૦મા અંગદાતા તરફથી અંગદાન મળ્યું છે. અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ ગુરુપૂર્ણિમાના દિવસે અંગદાનનો નિર્ણય કર્યો અને ૨૦૦ અંગદાનનો માઇલસ્ટોન સિવિલ હોસ્પિટલે પાર કરી લીધો છે. આજદિન સુધીમાં થયેલા કુલ ૨૦૦ અંગદાન દ્વારા કુલ ૬૫૭ અંગોનું દાન મળ્યું છે, જે થકી ૬૩૮ લોકોને નવજીવન પ્રદાન થયું છે, જે સિવિલ હોસ્પિટલ અમદાવાદની યશસ્વી સિદ્ધિ છે.
૨૦૦મા અંગદાનની વાત કરીએ તો અમરેલીના રહેવાસી એવા ૩૫ વર્ષીય મહેશભાઇ સોલંકીને ૦૨ જુલાઇના રોજ બપોરે ૩ વાગ્યાની આસપાસ બગસરાથી હુમાપુર ગામે જતાં બોલેરો ગાડીએ ટક્કર મારતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
મહેશભાઇને પ્રથમ બગોદરા સિવિલ, ત્યારબાદ અમરેલી સિવિલ અને ભાવનગર સિવિલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી તારીખ ૭ જુલાઈના રોજ વધુ સારવાર અર્થે તેઓને રાત્રે ૯ વાગ્યે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાક કરતાં વધારે સમયની સઘન સારવાર બાદ તારીખ ૯ જુલાઈના રોજ ડોક્ટરોએ મહેશભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ તેમજ સામાજિક કાર્યકર શ્રી ભાસ્કર ચાવડા દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇનડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે સમજાવતાં સિવિલ હોસ્પિટલમાં હાજર પરિવારજનોએ તેમનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.
આ વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે ૨૦૦ અંગદાન એ માત્ર આંકડો નથી, પરંતુ દરેક અંગદાન પાછળ એક પરિવારના આંસુમાંથી નીકળેલ બીજા પરિવાર માટેના નવજીવનની આશા છે. ૨૦૦ અંગદાનની ઉપલબ્ધિ સિવિલની અંગદાન ટીમના ટીમવર્ક અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
અંગદાનની આંકડાકીય વિગતો પૂરી પાડતા ડૉ. જોષીએ જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં સાડા ચાર વર્ષથી ચાલી રહેલ અંગદાનના આ મહાયજ્ઞમાં આજે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઇ છે. જેમાં આજદિન સુધીમાં કુલ ૨૦૦ અંગદાન થયાં છે. જેના દ્વારા કુલ ૬૫૭ અંગોનું દાન મળ્યું છે. જે થકી ૬૩૮ લોકોને નવજીવન પ્રદાન થયું છે. મહેશભાઇના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૭૫ લીવર, ૩૬૪ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૪ હૃદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનું દાન મળ્યુ છે.
૨૦૦મા અંગદાન વિશે ડૉ. જોષીએ જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાના દિવસે બ્રેઇનડેડ મહેશભાઇના અંગદાનથી મળેલ એક લીવર, બે કીડની તેમજ એક સ્વાદુપિંડનું સિવિલ મેડીસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ સાથે મહેશભાઇના અંગદાનથી મળેલ હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
પોતાના સ્વજનના અંગદાનનો પરોપકારી નિર્ણય લઇ ૬૩૮ માનવ જિંદગીના દીપ પ્રજ્વલિત રાખવા બદલ આ તમામ ૨૦૦ અંગદાતાના પરિવારજનોના આપણે સૌ આભારી છીએ, એમ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું.
કોઇપણ જીવિત સ્વસ્થ વ્યક્તિએ પોતાના ઓર્ગન ફેઇલ્યોરથી પીડાતા સ્વજનને અંગો ન આપવા પડે અને બ્રેઇનડેડ દર્દીઓના અંગદાન થકી આવા તમામ ઓર્ગન ફેઇલ્યોરથી પીડાતા દર્દીઓને અંગો મળી રહે અને અંગોની પ્રતિક્ષામાં કોઇપણ વ્યક્તિ મૃત્યુ ન પામે એ ધ્યેય સાથે અમારી સિવિલની અંગદાન ટીમ કાર્યરત છે, એમ ડૉ. રાકેશ જોશીએ ઉમેર્યું હતું.
– સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૦થી અત્યાર સુધીમાં થયેલા કુલ ૨૦૦ અંગદાન થકી ૧૭૫ લીવર, ૩૬૪ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૪ હૃદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનું દાન મળ્યુ છે.
– સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન કરેલ ૨૦૦ અંગદાતાઓમાંથી ૧૫૬ પુરુષ અંગદાતાઓ અને ૪૪ સ્ત્રી અંગદાતાઓનો સમાવેશ થાય છે.
– સિવિલ હોસ્પિટલમાં મળેલ અંગદાનમાં ૨૦૦ અંગદાતાઓ પૈકી ૧૭૬ અંગદાતાઓ ગુજરાતના, ૫ ઉત્તરપ્રદેશના, ૬ મધ્યપ્રદેશના, ૩ બિહારના, ૯ રાજસ્થાનના તથા ૧ નેપાળના અંગદાતાનો સમાવેશ થાય છે.
– ગુજરાતના ૧૭૬ અંગદાતાઓ પૈકી સૌથી વધુ ૬૮ અંગદાતાઓ અમદાવાદના છે.
– ગુજરાત સિવાય ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન જેવાં દેશના અન્ય રાજ્યો તથા નેપાળ જેવા પાડોશી દેશના અંગદાતાઓ પણ સિવિલ હોસ્પિટલના અંગદાન મહાયજ્ઞમાં સહભાગી થયા છે.
– ૨૦૨૦થી લઈને અંગદાન ક્ષેત્રે સિવિલ હોસ્પિટલ દ્વારા સતતપણે લોકોને જાગૃત કરવાથી લઈને વધુને વધુ લોકોને અંગદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા છે.
