વિવેક કુમાર ગુપ્તા
જનરલ મેનેજર, પશ્ચિમ રેલવે
અમદાવાદ
ભારતીય રેલ એન્જીનીયર્સ સેવા (આઈઆરએસઈ) ના 1988ની બેચના વરિષ્ઠ અધિકારી શ્રી વિવેક કુમાર ગુપ્તાએ શુક્રવાર,11 જુલાઈ, 2025 ના રોજ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકેની નિમણૂક પહેલાં તેઓ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા, જે સંસ્થા ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અમલીકરણ માટે સોંપવામાં આવી હતી.
શ્રી ગુપ્તાએ રેલવે બોર્ડ, રેલવે મંત્રાલય માં મુખ્ય કાર્યકારી નિયામક/ગતિ-શક્તિ તરીકે સેવા આપી છે, જ્યાં તેઓ પીએમ ગતિ-શક્તિ પહેલ હેઠળ સ્ટેશન ડેવલપમેન્ટ સહિત તમામ મુખ્ય રેલવે પ્રોજેક્ટ્સના આયોજન અને અમલીકરણ માટે સંકલિત એકમ તરીકે કાર્યરત સાત (07) વિભાગો – સિવિલ (નિર્માણ, પ્રોજેક્ટ મોનિટરિંગ અને સ્ટેશન ડેવલપમેન્ટ), ઇલેક્ટ્રિકલ (RE), સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન, ટ્રાફિક, ફાઇનાન્સ, પ્લાનિંગ અને ઇકોનોમિક ડિરેક્ટોરેટ – ના સંકલિત કામગીરી માટે જવાબદાર હતા,
શ્રી ગુપ્તાએ મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ), મુખ્ય ટ્રેક એન્જિનિયર, મુખ્ય પુલ ઇજનેર અને મંડળ રેલ પ્રબંધક જેવા અનેક પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેમાં સેવા આપી છે. આ હોદ્દાઓ પર તેમણે નવી લાઇન નિર્માણ, ગેજ રૂપાંતર, ડબલિંગ અને મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ, ટ્રેક નિર્માણ કાર્યો, યાતાયાત સુવિધાઓ અને પુલ જાળવણી સહિત મહત્વપૂર્ણ માળખાગત કાર્યોનું નિરીક્ષણ કર્યું.
મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (MRVC) માં મુખ્ય ઇજનેર તરીકે કામ કરતી વખતે, શ્રી ગુપ્તાએ લગભગ ₹20,000 કરોડના સંચિત પ્રોજેક્ટ મૂલ્ય સાથે MUTP I, II અને III પ્રોજેક્ટ્સના સંકલન અને અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે ₹34,000 કરોડના MUTP 3A પ્રોજેક્ટના પ્રારંભિક કાર્યનું પણ નેતૃત્વ કર્યું હતું. તેમની જવાબદારીઓમાં આયોજન અને અમલીકરણની બાબતોમાં વિશ્વ બેંક, AIIB, MMRDA, સિડકો અને મહારાષ્ટ્ર સરકાર જેવી વિવિધ એજન્સીઓ સાથે વ્યાપક સંકલન કાર્યનો સમાવેશ હતો.
મધ્ય રેલવેના ભુસાવલ મંડળના મંડળ રેલ પ્રબંધક (એપ્રિલ 2019 થી ઓગસ્ટ 2021) તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે સંરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા, કર્મચારી કલ્યાણ, ગ્રાહક સંતોષ અને ખર્ચ નિયંત્રણ અને આવક સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરીને કાર્યક્ષમ કામગીરી સુનિશ્ચિત કરી.
શ્રી ગુપ્તા પાસે રેલવે પરિચાલન, માળખાગત વ્યવસ્થાપન અને પ્રોજેક્ટ અમલીકરણનો સમૃદ્ધ અનુભવ છે. અધિકારીઓ અને કર્મચારીઓ બંને દ્વારા તેમનું સન્માન કરવામાં આવે છે અને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ પશ્ચિમ રેલવે નવી ઊંચાઈઓ સર કરશે
