નર્મદા કેનાલમાં દીકરીના ગોરાના ઝવેરા પધરાવવા જતા કેનાલમાં પગ લપસી જતા ડોક્ટર પિતાનું મોત

Spread the love

 

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. કોશા બ્રહ્મભટ્ટના 39 વર્ષીય ડોક્ટર પતિ નિરવ રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું ગઈકાલે શનિવારે અડાલજ નર્મદા કેનાલમાં ડૂબી જવાથી અકાળે અવસાન થયું છે. ડૉ. નિરવ પોતાની છ વર્ષની દીકરીના ગોરોના ઝવેરા પધરાવવા માટે અડાલજ નર્મદા કેનાલ ગયા હતા. એ વખતે કેનાલમાં પગ લપસી જતાં છ વર્ષની દીકરીની સામે જ ડોક્ટર પિતા કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા.

ઝવેરા પધરાવવા માટે કેનાલ પહોંચ્યા હતા

ગાંધીનગરના વાવોલ અનસ્યા ગ્રીન્ઝ સોસાયટીમાં રહેતા કોશા બ્રહ્મભટ્ટ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જેમના પતિ ડૉ. નિરવકુમાર રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ પણ પીડીયાટ્રીક ડોક્ટર હતા. ડોક્ટર દંપતીની છ વર્ષીય દીકરી દ્વીજાએ ગોરાના વ્રત કર્યા હતા અને ગોરોના ઝવેરા પાણીમાં પધરાવવાનાં હતાં. આથી ગઈકાલે શનિવારે ડૉ. નિરવ એમની દીકરીને લઈને એક્ટિવા ઉપર અડાલજ મુખ્ય નર્મદા કેનાલ પહોંચ્યા હતા.

અચાનક પગ લપસી જતાં ડોક્ટર કેનાલમાં ગરકાવ થયાં દીકરીને કેનાલની બહારની સાઈડ ઉભી રાખી ડૉ. નિરવ ગોરોના ઝવેરા લઇને કેનાલમાં ઉતર્યા હતા. બીજી તરફ તેમની દીકરી ડોક્ટર પિતાને કેનાલમાં ઝવેરાની પધરામણી કરવા જતા જોઈને ખુશ થઈ રહી હતી. એવામાં અચાનક જ ડૉ. નિરવનો પગ લપસી જતાં તેઓ સીધા કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા અને કેનાલના ધમધમતા પ્રવાહમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્નો કરવા લાગ્યા હતા. આ તરફ પિતાને ડૂબતા જોઈને છ વર્ષની દીકરીએ રોકકળ સાથે બૂમાબૂમ કરી મૂકી હતી.

આરોગ્ય કેન્દ્ર પર ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં આ દરમિયાન નજીકમાં હાજર રિક્ષા ચાલકો કેનાલ દોડી ગયા હતા. ભારે જહેમત પછી ડૉ. નિરવને કેનાલની બહાર કાઢ્યા હતા. જો કે, ડૉ. નિરવ પાણી બહુ પી ગયા હોવાથી તેમને તાત્કાલિક નજીકના અડાલજ સીએચસી આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતા. આ બનાવની જાણ થતાં ડૉ. કોશા પણ તાત્કાલિક ગાડી લઈને આરોગ્ય કેન્દ્ર દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ડૉ. નિરવને મૃત જાહેર કર્યા હતા.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી આ અંગે અડાલજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પંકજ પ્રજાપતિએ જણાવ્યું કે, ગોરોના ઝવેરા પધરાવતી વખતે એકાએક તેમનો પગ લપસી જવાથી તેઓ ડૂબવા લાગ્યા હતા. આ જોઈને દીકરીએ રોકકળ કરી મૂકી હતી. એ વખતે એક રીક્ષા વાળો ભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. જેણે દીકરીને રડતી જોઈને રીક્ષા ઉભી રાખી દીધી હતી અને ક્ષણિક વિચાર કર્યા વિના કેનાલમાં પડીને ડોક્ટરને બહાર કાઢ્યા હતા. આ બધા વચ્ચે લોકો એકઠા થઈ ગયા હતા. જેમાથી એક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી.

બાદમાં ડોક્ટરને અડાલજ સીએચસી સેન્ટર લઈ જવાયા હતા. જ્યાં CPR સહિતની મેડિકલ ટ્રીટમેન્ટ અપાઈ હતી. પરંતુ ડોક્ટરનો જીવ બચી શક્યો ન હતો. આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *