‘એ કહેતો કે મમ્મી 40 લાખનું દેવું ભરી દઈશ’, 15 જ દિવસમાં પિતા અને પુત્રને ગુમાવનાર પરિવારની કહાણી

Spread the love

 

RINALતારીખ 12 જૂનના રોજ અમદાવાદ ઍરપૉર્ટ પર લૉરેન્સ તેમનાં માતા રવિનાબહેન સાથે

“મારા દીકરાએ દુર્ઘટનાના 24 કલાક પહેલાં જ અમારા ઘરે સીસીટીવી કૅમેરા લગાવડાવ્યા હતા. તે કહેતો હતો કે મમ્મી હવે પપ્પાના ગયા બાદ તું અને રીનલ એકલાં અહીં છો તો મને તમારી બંનેની ચિંતા રહેશે. સીસીટીવી હશે તો હું લંડનમાં પણ મોબાઇલથી તમને જોઈ શકીશ અને બંનેનું ધ્યાન રાખી શકીશ.

સીસીટીવી તો લગાવી દીધા પણ અમારું ધ્યાન રાખવા દીકરો જ ન રહ્યો.”

આ શબ્દો છે લૉરેન્સ ક્રિશ્ચિયનનાં માતા રવિનાબહેન ક્રિશ્ચિયનના.

રવિનાબહેન ક્રિશ્ચિયનના 30 વર્ષીય દીકરા લૉરેન્સનું ગત 12 જૂને અમદાવાદ પ્લેન ક્રૅશમાં મૃત્યુ થયું હતું.

અમદાવાદ ઍરપૉર્ટથી 230 મુસાફરો અને 12 ક્રૂ-મેમ્બર સાથે ઍર ઇન્ડિયાનું યુકે જવા નીકળેલું બૉઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન બીજે મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર ક્રૅશ થયું હતું.

હવે શનિવારે મોડી રાત્રે આ દુર્ઘટના અંગેનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર કરાયો હતો. જેમાં ઘટના કેવી રીતે એ બની એની પ્રાથમિક વિગતો સહિત કેટલાક આશ્ચર્યજનક ખુલાસા થયા હતા.

અમદાવાદના લૉરેન્સ બે વર્ષથી યુકેમાં વર્ક વિઝા પર રહેતા હતા. તારીખ 29 મેના રોજ તેમના પિતાનું હૃદયરોગના હુમલામાં મૃત્યુ થયું હતું. જે બાદ 31 મેના રોજ તેઓ યુકેથી અમદાવાદ પરત ફર્યા હતા.

પરિવારે 15 જ દિવસમાં પિતા અને પુત્રને ગુમાવ્યા હોવાથી તેઓ ખૂબ જ આઘાતમાં છે.

લૉરેન્સે બે વર્ષ પહેલાં 20 મે 2023ના રોજ તેમની પ્રેમિકા સાથે લગ્ન કર્યાં હતાં. લૉરેન્સ અને આયુષી 12 વર્ષથી પ્રેમમાં હતાં.

લગ્ન બાદ જાન્યુઆરી 2024માં લૉરેન્સ અને આયુષી બંને સાથે યુકે ગયાં હતાં.

આશા વર્કર માતાનો દીકરો યુકે કેવી રીતે ગયો હતો?

 RINALવર્ષ 2024માં લૉરેન્સ અને તેમનાં પત્ની આયુષી યુકે જઈ રહ્યાં હતાં ત્યારની અમદાવાદ ઍરપૉર્ટ પરની તસવીર

લૉરેન્સનાં માતા રવિનાબહેન ક્રિશ્ચિયન આશા વર્કર તરીકે કામ કરે છે.

લૉરેન્સના પિતાની તબિયત છેલ્લાં કેટલાંક વર્ષોથી સારી રહેતી ન હોઈ તેઓ કામ કરી શકતા ન હતા.

તેમના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. ટૂંકા પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ છે.

રવિના ક્રિશ્ચિયન કહે છે, “ઘરની પરિસ્થિતિ જોઈને મારો દીકરો બાળપણથી જ જવાબદાર થઈ ગયો હતો. લૉરેન્સે આઠમા ધોરણથી જ નાનું મોટું કામ કરવાનું શરૂ કર્યું હતું.”

 Getty Imagesઅમદાવાદના મેઘાણીનગરમાં ઍર ઇન્ડિયાનું પ્લેન તૂટી પડ્યું હતું

રવિના ક્રિશ્ચિયન જણાવે છે કે, “લૉરેન્સ કૉલેજમાં હતો ત્યારે પણ ઘરને આર્થિક ટેકો કરવા માટે કાપડની દુકાનમાં નોકરી કરતો. તેણે બી.કૉમ. સુધી અભ્યાસ કર્યો હતો. તેણે એક દિવસ મારી પાસે આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે યુકે જવાની વાત કરી.”

“મેં મંજૂરી આપતાં જાન્યુઆરી 2024માં તે તેની પત્ની આયુષી સાથે યુકે ગયો હતો. લૉરેન્સ યુકેમાં કામ કરવા લાગ્યો હતો જેથી અમારા ઘરની આર્થિક સ્થિતિ સુધરી રહી હતી, પરંતુ મારો દીકરો સુખ જુએ તે પહેલાં જ જતો રહ્યો.”

લૉરેન્સના મનમાં પોતાનાં માતા અને બહેન રીનલને સુખ આપવાના ઘણા અરમાન હતા.

રવિના ક્રિશ્ચિયન જણાવે છે કે, “યુકે જવા માટે મારા દીકરાએ અમારા સંબંધી તેમજ તેના મિત્રો વર્તુળ પાસેથી ઉછીના પૈસા લીધા હતા. તે આવ્યો ત્યારે કહી રહ્યો હતો કે મમ્મી મારે હજુ 40 લાખ રૂપિયા જેટલું દેવું છે. જે થોડા સમયમાં ભરપાઈ કરી દઈશ. ત્યાર બાદ તને અને રીનલને યુકે લઈ જઈશ.”

યુકેમાં રહીને પણ ઘરની જવાબદારી કેવી રીતે નિભાવી?

 RINALલૉરેન્સ તેમનાં બહેન રીનલ સાથે

રવિના ક્રિશ્ચિયન જણાવે છે એ પ્રમાણે લૉરેન્સ જાન્યુઆરી 2024માં યુકે ગયા બાદ દોઢ વર્ષે પહેલી વાર ભારત આવ્યો હતો. લૉરેન્સ પહેલી વાર પરિવારથી આટલા લાંબા સમય સુધી દૂર રહ્યો હતો.

“હવે તો તે કાયમ માટે અમારાથી દૂર થઈ ગયો છે.”

આટલું બોલતાં જ રવિનાબહેન ચોધાર આંસુએ રડી પડે છે. તેઓ પાણી પીને થોડા સ્વસ્થ થાય છે અને વાતને આગળ વધારે છે.

તેઓ કહે છે કે, “લૉરેન્સ યુકે હતો તો પણ અમારા ઘરનું વીજળીનું બિલ એ ભરતો અને મારી અને એના પપ્પાની દવા ઑનલાઇન મોકલી આપતો. તે યુકેમાં રહીને પણ અમારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતો હતો.”

લૉરેન્સનાં નાનાં બહેન રીનલ જણાવે છે કે, “મારી મમ્મીને બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી છે. મારા ભાઈના મૃત્યુ બાદ મારી મમ્મીની તબિયત વધારે ખરાબ રહે છે. તે હંમેશાં મારા ભાઈને યાદ કરતા રહે છે. હવે મારાં ભાભીએ અમારા ઘરની જવાબદારી લીધી છે. હું પણ પાર્ટ ટાઇમ નોકરી કરું છું.”

રવિનાબહેન આગળ જણાવે છે કે, “મારો લૉરેન્સ મને દિવસમાં બે વાર વીડિયો કૉલ કરતો હતો. એવો એક પણ દિવસ નહીં હોય કે તેણે મને કૉલ ન કર્યો હોય.”

લૉરેન્સનું સ્વપ્ન પૂરું કરવા માગે છે આયુષી

 RINALલૉરેન્સ તેમનાં પત્ની આયુષી સાથે

બીબીસી ગુજરાતીએ લૉરેન્સનાં પત્ની આયુષી સાથે પણ વાત કરી હતી.

આયુષી જણાવે છે, “હું અને લૉરેન્સ મણિનગર વિસ્તારમાં આવેલી ડેમૉક્રૅટિક શાળામાં ભણતાં હતાં. મારી બહેન અને લૉરેન્સ એક જ ક્લાસમાં ભણતાં હોઈ અમે એકમેકને ઓળખતાં હતાં. અમે 12 વર્ષ સુધી પ્રેમમાં હતાં. અમારા બનેના પરિવારની મરજીથી અમે 2023માં લગ્ન કર્યાં.”

અમદાવાદ પ્લેન ક્રૅશ દુર્ઘટના અંગે વાત કરતાં આયુષીએ જણાવ્યું હતું કે, “મારા સસરાનું અચાનક મૃત્યુ થયું હોવાથી લૉરેન્સ અમદાવાદ આવ્યા હતા. 12 જૂનના રોજ મારી ઑફિસમાં રજા હતી એટલે હુ ઘરે જ હતી. મેં પહેલા ફોન કર્યો તો લૉરેન્સની ઇમિગ્રેશનની પ્રોસેસ ચાલુ હોવાથી તે ફોન ઉપાડી શક્યો ન હતો.”

“લૉરેન્સે વિમાનમાં બેસીને મને ફોન કર્યો હતો કે હું આવી રહ્યો છું. સાંજે 7.30 વાગ્યે મળીએ છીએ. ત્યાર બાદ મને ફોન આવ્યો કે લૉરેન્સની ફ્લાઇટ ક્રૅશ થઈ ગઈ છે. આ પછી હું અમદાવાદ આવવા નીકળી હતી.”

આયુષી જણાવે છે કે, “હું રવિવારે પાછી યુકે જવાની છું. લૉરેન્સ વગર રહેવું મારા માટે અઘરું છે. લૉરેન્સના પરિવારનું ધ્યાન રાખવું એ મારી જવાબદારી છે. લૉરેન્સે મને એક વાર વાતવાતમાં કહ્યું હતું કે આયુષી ભવિષ્યમાં કદાચ જો હું ન હોઉં તો મારા પરિવારનું તું ધ્યાન રાખજે. હવે લૉરેન્સ નથી, પરંતુ હું તેના પરિવારનું ધ્યાન રાખીશ. લૉરેન્સનાં મમ્મી અને બહેનનું ધ્યાન રાખવું એ મારી જવાબદારી છે. હું હંમેશાં તેમનું ધ્યાન રાખીશ.”

લૉરેન્સ તેમનાં માતા અને બહેનને યુકે લઈ જવા માગતા હતા. લૉરેન્સનું આ સપનું હવે આયુષી પૂર્ણ કરવા માગે છે.

આયુષી બીબીસી ગુજરાતીને જણાવે છે, “મારાં સાસુ અને મારી નણંદને ભવિષ્યમાં હું મારી સાથે યુકે લઈ જવા માગું છું. લૉરેન્સે તેમનાં મમ્મી-પપ્પા અને બહેનને યુકે લઈ જવાં હતાં. જોકે, હવે પપ્પા તો અમારી વચ્ચે રહ્યા નથી, પરંતુ તેનાં બહેન અને મમ્મીને હું લઈ જઈશ.”

સહાય અંગે લૉરેન્સની બહેન રીનલે જણાવ્યું હતું કે “ઍર ઇન્ડિયાએ દુર્ઘટના બાદ તાજ હોટલ ખાતે પીડિત પરિવારોને બોલાવીને ફૉર્મ ભરાવ્યાં હતાં. ફૉર્મ ભરાવ્યા બાદ 25 લાખ રૂપિયા અમારા ખાતામાં જમા કરાવ્યા હતા. બાકીની સહાય અંગે હજુ કંઈ ખબર નથી.”

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *