
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર નારાજગી વ્યક્ત કરી છે. રવિવારે મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે પુતિન દિવસે મીઠી વાતો કરે છે અને રાત્રે બધા પર બોમ્બમારો કરે છે. આ અમને પસંદ નથી.
ટ્રમ્પે જાહેરાત કરી કે અમેરિકા યુક્રેનને પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ આપશે. આ માટે ટ્રમ્પ આ અઠવાડિયે નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટને મળશે. ટ્રમ્પે રવિવારે રાત્રે કહ્યું,”હું નાટો સેક્રેટરી જનરલ સાથે મુલાકાત રહ્યો છું. અમે તેમને અદ્યતન શસ્ત્રો આપીશું, અને તેઓ તેના માટે અમને 100% ચૂકવણી કરશે”.
ટ્રમ્પના નજીકના રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ કહે છે કે યુદ્ધ હવે નિર્ણાયક પડાવ પર છે. ટ્રમ્પ રશિયા સામે યુક્રેનને લશ્કરી સહાય આપવાના પક્ષમાં આવ્યા છે. ગ્રેહામના મતે, આગામી દિવસોમાં યુક્રેનને રેકોર્ડ સ્તરે શસ્ત્રો પૂરા પાડવામાં આવશે. તેમણે કહ્યું, “પુતિનની સૌથી મોટી ભૂલ એ હતી કે તેમણે ટ્રમ્પને હળવાશથી લીધા. હવે જુઓ, થોડા અઠવાડિયામાં, પુતિન પર ઘણું દબાણ બનાવશે.” ગયા અઠવાડિયે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ સોમવારે રશિયા પર મોટી જાહેરાત કરશે. રવિવારે પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, “કાલે શું થશે, તે આપણે કાલે જોઈશું.” ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે અમેરિકા તરફથી શસ્ત્રોની સપ્લાય અંગે નાટો સહયોગીઓ અને યુક્રેન વચ્ચે એક નવો કરાર થયો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા યુક્રેનને 300 મિલિયન ડોલર (2.5 હજાર કરોડ રૂપિયા)નું પેકેજ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં પેટ્રિઅટ મિસાઇલ સિસ્ટમ અને મીડિયમ રેન્જના રોકેટનો સમાવેશ થશે. આ સાથે ટ્રમ્પે કહ્યું કે તેઓ સોમવારે રશિયા વિશે મોટું નિવેદન આપી શકે છે. રાષ્ટ્રપતિ બન્યા પછી આ પહેલી વાર હશે જ્યારે ટ્રમ્પ પ્રેસિડેન્શિયલ ડ્રોડાઉન ઓથોરિટી હેઠળ યુક્રેનને શસ્ત્રો મોકલવાની મંજૂરી આપશે. આ એક કાનૂની પદ્ધતિ છે જે રાષ્ટ્રપતિને ખરાબ સમયમાં યુએસ ભંડારમાંથી સીધા શસ્ત્રો મોકલવાની મંજૂરી આપે છે. અગાઉ, ટ્રમ્પ વહીવટીતંત્રે ફક્ત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા મંજૂર કરાયેલા શસ્ત્રો યુક્રેન મોકલ્યા હતા.
આ શસ્ત્રોનો નવો કરાર અમેરિકા, નાટો અને યુક્રેન વચ્ચે છે. પહેલા અમેરિકા સીધા યુક્રેનને શસ્ત્રો મોકલતું હતું, પરંતુ હવે આ પ્રક્રિયા નાટો દ્વારા થશે. ટ્રમ્પે કહ્યું, “અમે નાટોને શસ્ત્રો મોકલીશું, અને નાટો તેનો સંપૂર્ણ ખર્ચ કરશે. પછી નાટો તે યુક્રેનને આપશે.” યુક્રેનના પુનર્નિર્માણ માટે ઇટાલીની રાજધાની રોમમાં એક સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં યુક્રેનને 10 અબજ યુરો (90 હજાર કરોડ રૂપિયા)ની સહાયનું વચન આપવામાં આવ્યું હતું. ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ આ માહિતી આપી. યુરોપિયન કમિશને 2.3 બિલિયન યુરો (લગભગ 2.7 અબજ ડોલર)ની સહાયની જાહેરાત કરી. ઝેલેન્સકીએ આ સંમેલનમાં કહ્યું હતું કે રશિયાની સંપત્તિનો ઉપયોગ યુક્રેનના પુનર્નિર્માણ માટે થવો જોઈએ. તેમણે શસ્ત્રોનો પુરવઠો વધારવા, સંયુક્ત રક્ષા ઉત્પાદન અને રોકાણની પણ માંગ કરી હતી. 10 અને 11 જુલાઈ 2025ના રોજ રોમમાં આયોજિત યુક્રેન પુનર્નિર્માણ પરિષદમાં 38 દેશો અને અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનો ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન, મલેશિયામાં, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવ સાથે 50 મિનિટની વાતચીત કરી. રુબિયોએ કહ્યું કે તેમણે રશિયાને યુદ્ધ બંધ કરવા માટે આગળ આવવા કહ્યું છે. “આપણે આ સંઘર્ષનો અંત લાવવા માટે આગળ શું થશે તેની તૈયારી કરવાની જરૂર છે,” રુબિયોએ કહ્યું, ટ્રમ્પ વહીવટીતંત્ર યુએસ સેનેટ સાથે ચર્ચા કરી રહ્યું છે કે રશિયા પર કયા નવા પ્રતિબંધો લાદવા જોઈએ.
ગુરુવારે સવારે રશિયાએ યુક્રેન પર લગભગ 400 ડ્રોન અને 18 મિસાઇલ હુમલા કર્યા. રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયન હુમલામાં બે લોકો માર્યા ગયા અને 16 ઘાયલ થયા. ઝેલેન્સકીએ કહ્યું કે આ હુમલાનું મુખ્ય લક્ષ્ય રાજધાની કિવ હતી. ઘટના સમયે મોટાભાગના લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે કિવમાં રહેણાંક ઇમારતો, વાહનો, ગોડાઉનો, ઓફિસો અને બિન-રહેણાંક ઇમારતો બળીને ખાખ થઈ ગઈ હતી. કિવમાં ડ્રોનનો કાટમાળ રહેણાંક ઇમારતની છત પર પડતાં આગ ફાટી નીકળી હતી. રશિયાએ કિવના 8 જિલ્લાઓને નિશાન બનાવ્યા. ગૃહમંત્રી ઇહોર ક્લિમેન્કોએ જણાવ્યું કે કિવના મેટ્રો સ્ટેશન પર 68 વર્ષીય મહિલા અને 22 વર્ષીય પોલીસ અધિકારીનું મોત થયું. કિવના પોડિલ્સ્કી જિલ્લામાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નષ્ટ કરવામાં આવ્યું.