
અમરનાથ યાત્રાના પહેલા 11 દિવસમાં 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના દર્શન કર્યા છે. રવિવારે 20,000 શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. આ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ હતી. સોમવારે, 6,100 યાત્રાળુઓનું ગ્રુપ જમ્મુથી ગાંદરબલના બાલતાલ અને પહેલગામના નુનવાન બેઝ કેમ્પ માટે રવાના થયું હતું.
ગાંદરબલ જિલ્લામાં ઝેડ-મોડ ટનલ પાસે યાત્રાળુઓના કાફલાને લઈ જતું એક વાહન પલટી ગયું. આ અકસ્માતમાં CRPFના ત્રણ જવાન ઘાયલ થયા છે. આ પહેલા રવિવારે કુલગામમાં ત્રણ બસો અથડાતા 10 મુસાફરો ઘાયલ થયા હતા. અત્યાર સુધીમાં 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. 38 દિવસની આ યાત્રા પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી ચાલુ છે. તે 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે પુરી થશે. ગયા વર્ષે આ યાત્રા 52 દિવસ ચાલી હતી અને 5 લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા.
યાત્રામાં યાત્રાળુઓની સુરક્ષા માટે 581 અલગ અલગ સુરક્ષા કંપનીઓ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં CRPF, BSF, SSB, IBTP અને CISF સહિતના સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે. બાલતાલથી ગુફા સુધીના માર્ગ પર દર બે કિલોમીટરના અંતરે મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. વચ્ચે ઘણી જગ્યાએ કેમ્પો પણ શરૂ કરવામાં આવ્યા છે. આ વર્ષે ગુફા તરફ જવાના માર્ગ પર ચાર સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, જ્યારે પગપાળા, ઘોડા પર અને પાલખીમાં જતા ભક્તો માટે અલગ અલગ રૂટ બનાવવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે, દર 50 મીટર પર એક સૈનિક તહેનાત છે. મુંબઈથી આવેલા યાત્રાળુ પ્રસાદ ઠાકુરે જણાવ્યું હતું કે જે લોકોએ નોંધણી કરાવી ન હતી તેમનું પણ ખૂબ જ ઝડપથી નોંધણી કરાવવામાં આવી છે. આજે 70 થી 80 હજાર શ્રદ્ધાળુઓએ મંદિરની મુલાકાત લીધી હશે. ભંડારમાં ભોજનની સારી વ્યવસ્થા છે. શૌચાલયથી લઈને રહેવાની વ્યવસ્થા સુધીની બધી વ્યવસ્થા સારી છે.