
લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. રવિવારે મેચના ચોથા દિવસે વિકેટ લીધા બાદ મોહમ્મદ સિરાજે આક્રમક રીતે ઉજવણી કરી. સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે હેરી બ્રુક બોલ્ડ થઈ ગયો. પહેલી વાર, ભારતે ટેસ્ટની એક ઇનિંગમાં 7 ખેલાડીઓને આઉટ કર્યા. તો બીજી બાજું ઓસ્ટ્રેલિયન અમ્પાયર પોલ રાઇફલ લોર્ડ્સ ટેસ્ટ મેચના ચોથા દિવસે હેડલાઇન્સમાં રહ્યા. ગ્રાઉન્ડમાં તેમના કેટલાક નિર્ણયો પર ભારે ગરમાગરમી જોવા મળી હતી.
રાઇફલે કેટલાક નિર્ણયો આપ્યા જે ભારતીય ટીમ વિરુદ્ધ હતા. ભારતીય ટીમની બીજી ઇનિંગમાં રાઇફલે કેપ્ટન શુભમન ગિલને વિકેટ પાછળ કેચ આઉટ જાહેર કર્યો. જોકે, શુભમન ગિલે તરત જ DRS લીધો. રિપ્લેમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે બોલ તેના બેટથી લગભગ બે ઇંચ દૂર હતો. એટલે કે, રાઇફલનો નિર્ણય સ્પષ્ટપણે ખોટો હતો.
ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં, પોલ રાઇફલે જો રૂટના પક્ષમાં નિર્ણય આપ્યો. પછી મોહમ્મદ સિરાજનો બોલ જો રૂટના પેડ પર વાગ્યો. જોકે, ભારતીય ટીમે DRS લીધો. રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ લાઇન પર પિચ થયો હતો, તેમજ બોલ જ્યાં વાગ્યો હતો ત્યાં લેગ સ્ટમ્પ સ્પષ્ટ દેખાતો હતો. જોકે, બોલ ટ્રેકિંગનો અંદાજ હતો કે બોલ સ્ટમ્પને હળવો સ્પર્શ કરીને બહાર જશે. આવી સ્થિતિમાં, અમ્પાયરના કોલને કારણે પોલ રાઇફલનો નિર્ણય જૈસે થે રહ્યો.
હવે ભારતીય ચાહકો પોલ રાઇફલના અમ્પાયરિંગની ટીકા કરી રહ્યા છે. કેટલાક ચાહકો તેમની તુલના વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ અમ્પાયર સ્ટીવ બકનર સાથે કરી રહ્યા છે, જેમના નિર્ણયો વિવાદાસ્પદ હતા. ચાહકોએ કહ્યું કે જ્યારે ઇંગ્લેન્ડ બોલિંગ કરી રહ્યું હોય છે, ત્યારે પોલ રાઇફલની આંગળી ઝડપથી ઊંચી થાય છે.
બીજી બાજુ, કોમેન્ટ્રી કરી રહેલા સુનીલ ગાવસ્કરે બોલ-ટ્રેકિંગ ડેટાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા. ગાવસ્કરે કહ્યું, ‘તમે કહી રહ્યા છો કે બોલ ફક્ત લેગ સ્ટમ્પને સ્પર્શી રહ્યો હતો. આવું ન થઈ શકે. બોલ લેગ સ્ટમ્પને ઉખેડી રહ્યો હતો. એકમાત્ર સારી વાત એ છે કે ભારતે રિવ્યૂ નથી ગુમાવ્યો.’
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન જોનાથન ટ્રોટે કહ્યું, ‘મને આશ્ચર્ય થયું છે. રિપ્લે જોઈને સ્પષ્ટ થાય છે કે બોલ લેગ સ્ટમ્પના અંદરના ભાગમાં વાગ્યો હશે. વાસ્તવિક સમયમાં જોયા પછી પણ, હું વિશ્વાસ કરી શકતો નથી કે આ બોલ સ્ટમ્પ ચૂકી રહ્યો હતો.’