
અમદાવાદ શહેર DEO દ્વારા પણ તેમના તાબા હેઠળની સ્કૂલોમાં ટ્યુશન કરાવતા શિક્ષકોની સ્કૂલને નોટિસ ફટકારી હતી. સ્કૂલમાં નોકરી કરતા અને ટ્યુશન કરતા 5 શિક્ષકોને ઘર ભેગા કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં અમદાવાદ ગ્રામ્યના 11 અને શહેરના 5 એમ કુલ 16 શિક્ષકોને ટ્યુશન કરવા બદલ છૂટા કરવામાં આવ્યા છે. ટ્યુશન ક્લાસ એસોસિએશન દ્વારા થોડા દિવસ અગાઉ અમદાવાદની કેટલીક સ્કૂલોના શિક્ષકો દ્વારા ખાનગી કોચિંગ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં શિક્ષકો વિદ્યાર્થીઓને દબાણ કરીને પોતાના ટ્યુશન ચલાવે છે તેમાં બોલાવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એસોસિએશન દ્વારા સ્કૂલ અને શિક્ષકના નામ સાથેની DEO કચેરીએ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ મળતા DEO કચેરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય DEO કચેરી દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી હતી. જે શિક્ષકો ટ્યુશન ક્લાસ ચલાવતા હતા તે સ્કૂલમાં જઈને પણ તપાસ કરવામાં આવી હતી. જેમાંથી કેટલીક સ્કૂલોને નોટિસ આપીને જાણ કરવામાં આવી હતી. DEOએ સ્કૂલને જાણ કરતા સ્કૂલના સંચાલકો દ્વારા તાત્કાલિક 16 જેટલા શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાએ જણાવ્યું હતું કે, શિક્ષકોના નામ સાથેની ફરિયાદ મળતા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સ્કૂલોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. સ્કૂલોને તેમના શિક્ષકો ટ્યુશન ક્લાસ ચલાવે છે એવી જાણ થતા અલગ અલગ સ્કૂલોના સંચાલકોએ જ શિક્ષકોને છૂટા કરી દીધા છે. આગામી દિવસમાં હજુ પણ તપાસ ચાલુ રહેશે.