
અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક મુસાફરોને પોતાના વાહનમાં બેસાડવા માટે અનેક વખત વાહનચાલકો રકઝક કરતા હોય છે અને ઘણી વખત બેફામ પણ બની જતા હોય છે. ત્યારે આજે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં એક એવી ફરિયાદ નોંધાય છે, જેમાં એક્સપ્રેસ હાઈવે પર મુસાફરોને બેસાડવા માટે થયેલી રકજકમાં એક વ્યક્તિએ કારના કાચ તોડી નાખ્યા હતા. આ સમગ્ર મામલે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસે એક પાર્ટ કરેલી કારમાં એક વ્યક્તિ દંડા વડે કારના કાચ તોડી રહ્યો છે, તેવા સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવીમાં એક વ્યક્તિ ખૂબ જ ગુસ્સામાં એક કારના કાચ તોડી રહ્યો છે. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જ્યારે પ્રાપ્ત માહિતી અનુસાર, એક્સપ્રેસ હાઈવેથી મુસાફરોને બરોડા લઈ જવા દરમિયાન આ આખી બબાલ શરૂ થઈ હતી. જેમાં ઉશ્કેરેલા એક વ્યક્તિએ કારમાં તોડફોડ કરી હતી. હાલ આ વ્યક્તિની ધરપકડ કરવા માટે રામોલ પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે. એક્સપ્રેસ હાઇવેના ટર્નિંગ પર અગાઉ પણ અનેક વખત મુસાફરોને પોતાના વાહનમાં બેસાડવા માટે રકજક અને બોલાચાલી થયા હોવાના બનાવો સામે આવ્યા છે. પરંતુ આ વખતે આ તોડફોડનું બનાવ સામે આવતા પોલીસ પણ આ સમગ્ર આવારાતત્ત્વોને દાબી દેવા માટે સક્રિય બની છે.